Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ગુજરાતના ૪૭ તાલુકામાં હળવો-ભારે વરસાદઃ ૩ દિવસ વરસાદ પડવાની આગાહી

અમદાવાદ :વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ધારણા કરતા વહેલા વરસાદનું આગમન થયું છે. પણ હાલ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાએ ભલે વિધીવત આગમન કરી લીધું છે, ત્યારે વાતાવારણમાંથી ગરમી દૂર થતા લોકોના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે, તો સાથે ખેડૂતો પણ વાવણી યોગ્ય સમયે થઈ રહી હોવાને કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

આગામી 3 દિવસમાં રહેશે વરસાદ

હવામાન સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ગુજરાતનુ વાતાવરણ આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયુ બની રહેશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકો સાવચેતી રાખી શકે છે.

અમદાવાદમાં વરસાદ

ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વચ્ચે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, મકરબા, શ્યામલ, વેજલપુર, સરસપુર, બાપુનગર, નિકોલ, મેઘાણીનગર, રાણીપ, થલતેજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો અમદાવાદના જવાહર ચોક મણિનગર માર્ગ પર વલ્લભ વાડી પાસે એક વિશાળ ઝાડ મુખ્ય રસ્તા પર એકાએક ભારે પવન સાથે પડી ગયું હતું. જોકે, ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોનો સહજમાં બચાવ થયો હતો. સ્થાનકોએ ફાયર વિભાગ તેમજ તંત્રને જાણ કરી હતી. વાહન ચાલકોને પાસેના અન્ય રસ્તા પર ડાયવર્ઝન અપાયું હતું.

ગીર-સોમનાથમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સવારે આઠ વાગ્યા સુધીમાં ગિરસોમનાથ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ઉના અને સુત્રાપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કોડીનારમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી પડ્યો છે. અમરેલીના ગીર પંથકમા વરસી રહેલા વરસાદને કારણે લોર અને લિંગાળા તેમજ ફાચરિયા ગામની સ્થાનિક નદી અને નાળાઓમાં નવુ પાણી આવ્યું છે. વહેલી સવારથી અીં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉપર વાસના વરસાદને કારણે સ્થાનિક નદી, નાળામાં નવા નીર આવતા લોકોમાં ખુશી છવાઈ છે.

ઉનામાં રાતથી અત્યાર સુધી કુલ 4 ઇંચ વરસાદ

ગીર ગઢડામાં 2 ઇંચ

દીવમાં 2.5 ઇંચ

ગીર સોમનાથમાં 4 ઇંચ વરસાદ

ઊત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ત્યારે પાટણ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની ભીતિને પગલે ndrfની ટીમ પાટણ પહોંચી છે. 27 સભ્યોની ndrf ની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ બની છે. ભારે વરસાદની આગાહી ને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તેમાટે ndrfની ટીમ પાટણ સ્ટેન્ડ બાય રખાઈ છે.

(5:32 pm IST)