Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમદાવાદમાં ૧૦ દિવસની નવજાત બાળા સાથે માતાનો ગંભીર વ્‍યવહારઃ ફીડીંગ પણ કરાવતી ન હોવાનો પિતાનો આક્ષેપ

અમદાવાદ :અમદાવાદમાં 10 દિવસ પહેલા જન્મેલી બાળકી હ્રદયના વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવા કટોકટીના સમયે બાળકીના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની પત્ની નવજાત બાળકીને ફીડીંગ નથી કરાવતી. તબીબો દ્વારા બાળકીના સારા આરોગ્ય માટે નવજાતની માતાને વારંવાર કહેવા છતાંય માતા ફીડીંગ કરાવવા પર મક્કમ છે. નવજાતના પિતાએ તેની પત્નીને કૌટુંબિક મતભેદ અને ઝગડા ભૂલી બાળકીને ફીડીંગ કરાવવાની વિનંતી કરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક માતા કે જેણે 9 મહિના સુધી જે બાળકીને પોતાની કૂખમાં રાખી આજે તે પોતાની નવજાત બાળકીની દુશ્મન બનીને બેઠી છે. અમદાવાદનો કિસ્સો કોઈને પણ હચમચાવી નાખે તેવો છે. 10 દિવસ પહેલા જન્મેલી બાળકી વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. આવા સમયે બાળકીને માતાના દૂધની સખત જરૂર હોય છે. નવજાત બાળકી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકીને તેના માતાનું ધાવણ મળતા તેને પાવડરનું દૂધ પીવડાવવું પડે છે.

બાળકીના પિતા ચિરાગ ઠક્કરે એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની નવજાત બાળકીને ફીડીંગ કરાવતી નથી. હોસ્પિટલમાં તબીબોએ પણ બાળકીની માતાને અંગે વારંવાર વિનવણીના સૂરમાં કહ્યું છે કે, બાળકીના સારા આરોગ્ય માટે બાળકીને ફીડીંગ કરાવવું જોઈએ. આમ છતાં બાળકીની માતા વજ્ર હૃદયની જાણે બની ગઈ છે. નવજાતના પિતાએ તેમની પત્નીને પારિવારિક મતભેદ અને ઝગડા ભૂલી બાળકીને ફીડીંગ કરાવવા વિનંતી કરી છે.

આમ, માતાપિતાના ઝઘડામાં બાળકીનો શું વાંક, જેને જન્મતાની સાથે ગંભીર બીમારી મળી છે, અને સાથે તે માતાના ધાવણ વિની ટળવળી રહી છે. દુનિયામાં હજી 10 દિવસ પહેલા આવેલી બાળકી જીવવા માટે એક તરફ પોતાની બીમારી, તો બીજી તરફ પોતાની માતા સામે સંઘર્ષ કરી રહી છે.

(5:29 pm IST)