Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમદાવાદની સ્‍કૂલ વાનમાં અકસ્‍માત બાદ પંચામૃત સ્‍કૂલના ડ્રાઇવરની ધરપકડ

અમદાવાદ :ગઈકાલે અમદાવાદની એક ઘટના સામે આવી હતી, જેમાં ચાલુ વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની નોંધ શિક્ષણ વિભાગ દ્વારા લેવાઈ અને રાજ્યનું તંત્ર મોડે મોડે જાગ્યુ હતું. પૂર બાદ પાળ બાંધવા નીકળેલા તંત્રએ આજે સમગ્ર રાજ્યમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાનમાં કેવી રીતે બાળકો લઈ જવાય છે, તેનું ચેકિંગ કર્યું હતું. તો બીજી તરફ, સ્પીડમાં ગાડી હંકારનાર પંચામૃત સ્કૂલના ડ્રાઈવરની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે.

જી ડિવાઝીન ટ્રાફિક શાખાના પીઆઈ એસ.આર ગાવીતે જણાવ્યું કે, ઘટનામાં પંચામૃત સ્કુલ વાનના ડ્રાઈવર કિરણ દેસાઈની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. ડ્રાઈવર કિરીટ દેસાઈની 'જી' ડિવીઝન ટ્રાફીક પોલીસે ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદની પંચામૃત શાળાની એક સ્કૂલવાન બગડી જતા અન્ય એક સ્કૂલવાનમાં 22 જેટલા વિદ્યાર્થીઓને ખચોખચ ભરીને લઇ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન સ્કૂલવાન ચાલક દ્વારા વધારે સ્પીડમાં ઇકો ગાડી ચલાવતા કારનો દરવાજો ખુલી ગયો હતો અને ત્રણ વિદ્યાર્થીઓ સોસાયટીના વળાંકમાં ચાલુ વાનમાં નીચે પડી ગયા હતા. ઘટનામાં એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે. સોસાયટીના વળાંક પર ભયજનક ગતિએ વાન ચલાતા દુર્ધટના બની હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને સ્કૂલવાન ચાલકની ઘોર બેદરકારી સામે આવી હતી.

તો બીજી તરફ, બાળકોએ ડ્રાઈવર કિરણ દેસાઈને વાન ધીમી ચલાવવા કહ્યું હતું, પરંતુ તેણે વાન ધીરે ચલાવી હતી. સવારે પણ તેઓને ટોક્યા હતા, છતાં સાંભળતા બપોરે બનાવ બન્યો હતો. જી ટ્રાફિક પોલીસે સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:28 pm IST)