Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

પ્રવેશ રદ કરાવતાં કલાસીસે ૫૦ ટકા રકમ કાપતાં વિવાદ

એલેન કેરિયર ઇન્સ્ટીટયુટ સંચાલકો સામે ફરિયાદ : વિદ્યાર્થીઓને એલેન કેરિયર ઇન્સ્ટીટયુટના સંચાલક દ્વારા અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા માટે દબાણ કરાયુ હતુ : રિપોર્ટ

અમદાવાદ, તા.૧૯ : શહેરના મણિનગર વિસ્તારના એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને ધોરણ-૧૧નું એડમિશન તેમની નિયત કરેલી સ્કૂલમાં લેવાની ફરજ પાડતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતી વખતે વિદ્યાર્થીના વાલીએ એક લાખ રૂપિયા ફી ભરી હતી, જોકે અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનો વાંધો ઉઠાવતાં એલેન ક્લાસીસના સંચાલકોએ રૂ. પ૦ હજાર ફી કાપીને રૂપિયા પરત કરતાં વિદ્યાર્થીની માતાએ મણિનગર પોલીસમથકમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે સમગ્ર મામલામાં આગળની તપાસ હાથ ધરી છે. શહેરના કૃષ્ણનગરમાં આવેલ યોગેશ્વર રેસેડન્સીમાં રહેતાં મનીષાબહેન ભરતભાઇ જાદવે એલેન ક્લાસીસના ડાયરેક્ટર તેમજ બ્રાંચના અધિકારી સહિત ત્રણ લોકો વિરુદ્ધમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદમાં  કરાયેલા આક્ષેપ પ્રમાણે મનીષાબહેન પુત્ર પ્રિયાંકે ધોરણ-૧૦ની પરીક્ષા આપ્યા બાદ જેઇઇની તૈયારી માટે મણિનગર વિસ્તારમાં આવેલ એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્કવાયરી માટે ગયાં હતાં, જ્યાં તેમને આખા વર્ષની દોઢ લાખ રૂપિયા ફી જણાવાઇ હતી. મનીષાબહેને તારીખ તા.૯ મેના રોજ એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઇ લીધા બાદ પ્રિયાંકે તારીખ ૧૦ મેથી ક્લાસીસ શરૂ કર્યા હતા. તા. રર મેના રોજ ક્લાસીસના સંચાલકોએ પ્રિયાંકને ધોરણ-૧૧માં અભ્યાસ કરવા માટે અમદાવાદ પબ્લિક સ્કૂલમાં એડમિશન લેવા માટે જણાવ્યું હતું અને તેના અલગથી ૮૦ હજાર રૂપિયા ભરવાનું કહ્યું હતું. પ્રિયાંકે તેની સ્કૂલ છોડવાનો ઇનકાર કરી દેતા સંચાલકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. મનીષાબહેને આ મામલે એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે સૂચવેલી સ્કૂલમાં એડેમિશન લેવાનો ઇનકાર કરી દીધો હતો. મનીષાબહેને ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે કાયદાકીય રીતે જે સ્કૂલોને માન્યતા મળી હોય છે તેમણે ફૂલ હાજરી સાથે બાળકોને ભણાવવાનાં હોય છે અને ડમી સ્કૂલમાં ખાલી ફી ભરી દેવાની અને ત્યાં હાજરી નહીં આપવાની અને એલેન કલાસીસમાં ભણવાનું તેવું ક્લાસીસના સંચાલકોએ જણાવ્યું હતું. મનીષાબહેને પ્રિયંાકને એલેન ક્લાસીસ નથી કરાવવા તેવું કહીને ફી પરત માગી ત્યારે ઇન્સ્ટિટ્યૂટે પ૦ હજાર રૂપિયા કાપીને મનીષાબહેનને માત્ર અડધી રકમ જ પરત કરી હતી અને બાકીના પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી મનીષાબહેને મણિનગરપોલીસમથકમાં આ અંગેની ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:16 pm IST)