Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગોમતીપુર : અદાવત રાખીને રીક્ષાચાલકની કરપીણ હત્યા

ત્રણ યુવકોએ છરી-લાકડીઓ વડે હુમલો કર્યો : ગોમતીપુર પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી : બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ

અમદાવાદ,તા.૧૯ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલ વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ત્રણ યુવકોએ રિક્ષાચાલક પર છરી અને લાકડીઓ વડે હુમલો કરી તેની કરપીણ હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. રિક્ષાચાલક રવિવારની રાતે ધંધો કરવા માટે ગયો હતો, જ્યાં ત્રણેય યુવકોએ તેના પર હુમલો કર્યો હતો. બનાવને પગલે ગોમતીપુર પોલીસે ત્રણેય આરોપી યુવકોની ધરપકડ કરી સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સરસપુર વિસ્તારમાં આવેલ પોટલિયા સર્કલ પાસે રહેતા મૃતક રીક્ષાચાલકના પિતા પ૩ વર્ષીય પરસોતમભાઇ નાડિયાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આક્ષેપ મુજબ, પરસોતમભાઇનો પુત્ર હિતેશ રવિવારે રાતે રિક્ષા લઇને ધંધા પર ગયો હતો. સોમવારે સવારે સરસપુર વખાપરાની ચાલીમાં રહેતા શૈલેશભાઇ પટણી પરસોતમભાઇના ઘરે આવ્યા હતા અને હિતેશ લોહીલુહાણ હાલતમાં ગોમતીપુર વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં પડ્યો હોવાની વાત કરી હતી. હિતેશની વાત સાંભળતાં જ પરસોતમભાઇ અને તેમનાં પત્ની રિક્ષા લઇને વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં પહોંચી ગયા હતા. વિક્રમ મિલ કમ્પાઉન્ડની ખુલ્લી જગ્યામાં હિતેશ લોહીથી લથપથ હાલતમાં તરફડિયાં મારી રહ્યો હતો. હિતેશને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,  જો કે, સારવાર દરમ્યાન હિતેશનું કરૂણ મોત નીપજયુ હતું. હિતેશ પર હુમલો કરી મોત નીપજાવવામાં આરોપી યુવકો રોહિત દંતાણી, શાંતિલાલ ઠાકોર (બંને રહે. જજસાહેબની ચાલી, સરસપુર) અને પૃથ્વી ઠાકોરની સંડોવણી હોવાનું  સામે આવતાં ગોમતીપુર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓએ કયા કારણસર અને કઇ અદાવતમાં રીક્ષાચાલક યુવક હિતેશ નાડિયાની હત્યા કરી તેનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:15 pm IST)