Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભાલેજની પરિણીતાના રહસ્યમય હત્યાકાંડનો લાઈ ડીટેક્ટીવ રીપોર્ટ આવ્યો છતાં કોઈ તપાસ નહીં

ભાલેજ:  પરિણીતાના રહસ્યમય હત્યાકાંડનો લાઈ ડીટેક્ટીવ રીપોર્ટ આવ્યાને આજે પંદર દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પણ હત્યાકાંડ પરથી પર્દાફાશ ના થતાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ગાભાવાલા કેસમાં વ્યસ્ત થઈ જવાને કારણે આ દિશામાં તપાસ જ કરાઈ નથી તેમ જણાવવામાં આવી રહ્યું છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૨મી માર્ચના રોજ ભાલેજની પરિણીતા શરીફાબાનુની કોઈ શખ્સ દ્વારા ગળુ દબાવીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ સદર્ભે ચાર દિવસ બાદ કબરમાંથી લાશને બહાર કાઢીને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવતાં ખુલાસો થવા પામ્યો હતો. જેને લઈને પોલીસે પતિ અને સસરા વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. પરંતુ હજી સુધી શરીફાબાનુની હત્યા કોણે અને શા માટે કરી તેના પર પડદો ઢંકાયેલો જ પડ્યો છે. પોલીસે અતિ શકમંદ મનાતા સસરા શકુરમીંયા અને કહેવાતા પ્રેમી સલમાનને ગાંધીનગર એફએસએલમાં લઈ જઈને સતત ત્રણ દિવસ સુધી લાઈ ડીટેક્ટીવ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં હત્યાકાંડને લગતા ૧૦૦થી પણ વધુ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. 
સસરા શકુરમીંયાનું ફીટનેશ સર્ટીફીકેટ આપ્યા બાદ એફએસએલ દ્વારા લાઈ ડીટેક્ટીવ ટેસ્ટનો રીપોર્ટ ભાલેજ પોલીસને બંધ કવરમાં આપી દેવામાં આવ્યો હતો. જેમાં હત્યારા તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો હતો. જો કે આ વચ્ચે ઉમરેઠના શ્રી નારાયણ જવેલર્સનું કરોડો રૂપિયાનુ ઉઠમણું થતાં પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી જેમાં ભાલેજના પીએસઆઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને સમગ્ર તપાસ હવે ભાલેજ પોલીસ સ્ટેશન મારફતે કરાઈ રહી છે. ગાભાવાલા બંધુઓના જવાબો પણ ભાલેજ પોલીસ મથકે લેવામાં આવી રહ્યા છે ઉપરાંત જે કોઈપણ ઠગાઈનો ભોગ બન્યા હોય તેમના નિવેદનો પણ ભાલેજ પોલીસ મથકે જ લેવાઈ રહ્યા છે. જેને લઈને ભાલેજના રહસ્યમય મર્ડરની તપાસ અટકી પડી છે. પોલીસે રીપોર્ટના આધારે હજી સુધી કોઈપણ કાર્યવાહી નહીં કરી હોવાનું જાણવા મળે છે.

(7:58 pm IST)