Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ કેસમાં વણઝારા અને ચુડાસમાને જામીન આપનાર જસ્ટીસ અભય થીપ્સ કોંગ્રેસમાં:ભાજપ વિરૂદ્ધની ટિપ્પણીઓ કોંગ્રેસના ઇશારે કરી હોવાની તેમના સામે આરોપ

અમદાવાદઃ બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ અેન્કાઉન્ટર કેસમાં ડી.જી. વણઝારા અને અભય ચુડાસમાને જામીન આપનાર મુંબઇ હાઇકોર્ટના જસ્ટીસ અભય થીપ્સ કોંગ્રેસમાં જોડાતા ભારે ચર્ચા જાગી છે.

તેમણે આ કેસમાં કરેલી ટીપ્પણીઓ હવે રાજકીય રીતે જોવાઈ રહી છે. સોહરાબ અને તુલસીના એન્કાઉન્ટર ગુજરાતમાં થયા હોવાને કારણે ગુજરાતમાં યોગ્ય રીતે કેસ ચાલી શકે તેમ નથી તેવી દલિલ કરી સીબીઆઈ દ્વારા આ કેસ ગુજરાત બહાર ચલાવવાની માગણી કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા મુંબઈમાં કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

મુંબઈની તલોજા જેલમાં રહેલા આઈપીએસ અધિકારીઓ દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં જ્યારે જામીન મુકવામાં આવ્યા ત્યારે મુંબઈ હાઈકોર્ટના જસ્ટીશ અભય થીપ્સે જામીન અરજી સાંભળી હતી, જો કે તેમણે વણઝારા અને ચુડાસમાને જામીન તો આપ્યા હતા, પણ સરકારની આ મુદ્દે આકરી ટીકા કરી હતી. મુંબઈ હાઈકોર્ટમાં નિવૃત્ત થયા બાદ તેમણે સોહરાબુદ્દીન શેખના કેસને સાંભળી રહેલા જજ લોયાના શંકાસ્પદ મોત અંગે પણ ટીપ્પણી કરી હતી અને તેમની હત્યા થઈ હોવાની આશંકા વ્યકત કરી હતી.

આમ હમણાં સુધી જસ્ટીશ અભય થીપ્સેની તમામ ટીપ્પણી માનની નજરથી જોવામાં આવતી હતી કારણ તેઓ તટસ્થ રહી સમગ્ર ઘટનાનું અવલોકન કરી રહ્યા હોવાનું લાગી રહ્યુ હતું, પરંતુ ગત સપ્તાહે નિવૃત્ત જસ્ટીશ અભય થીપ્સે દ્વારા કોંગ્રેસ જોઈન્ટ કરી લેતા હવે તેમના તમામ પુર્વ અવલોકનો શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. હવે તેમની ઉપર આરોપ લાગી રહ્યો છે કે તેમણે ભાજપ વિરૂધ્ધની ટીપ્પણીઓ કોંગ્રેસના ઈશારે કરી હતી.

(7:50 pm IST)