Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

બનાસકાંઠાના થરાદ તાલુકાના વાડીયા ગામે બે દિકરીઓના લગ્ન માટે પિતાઅે અપીલ કરતા રૂપિયા ૩.પ૦ લાખની રકમ અેકઠ્ઠી થઇ ગઇ

બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદ તાલુકાના વાડીયા ગામમાં એક પિતાએ પોતાની બે દીકરીઓના લગ્ન માટે સમાજ પાસે ખોળો પાથર્યો હતો. આમ તો વાડીયા ગામનું નામ સાંભળતા જ કહેવાતા સભ્ય સમાજનાં લોકોનું નાકનું ટેરવું ચડી જાય છે. કારણ કે વાડીયા ગામમાં દીકરીઓને લગ્ન કરાવવાને બદલે તેમના પરિવારજનો જ તેમને દેહવ્યાપારમાં ધેકેલે છે. આ જ કારણે સમાજનાં સરેરાશ લોકોને વાડીયા ગામ પ્રત્યે શૂગ આવે છે.

દીકરીના પિતાની મદદની અપીલ બાદ બંને દીકરીઓના લગ્ન માટે રૂ. 3,50,000 લાખની રકમ એકઠી થઈ ગઈ છે. આ રકમમાંથી બંને દીકરીઓ માટે જરૂરી સામાનની ખરીદી કરી લેવામાં આવી રહી છે. દીકરીના પિતા બાબાભાઈની ઈચ્છા છે કે તેમની બંને દીકરીઓને ભેંસ આપવી. જોકે, હાલ આ માટે બજેટ ઓછું પડી રહ્યું છે. થરાદના ખાનપુરના નાગજીભાઈ પટેલ નામના એક ખેડૂતે બંને દીકરીઓને આપવા માટે સારી ભેંસ શોધવાની જવાબદારી પોતાના માથે લીધી છે. નાગજીભાઈએ હાલમાં ભેંસની કિંમત વધારે હોવાથી ભાદરવા સુધી સારી ભેંસો શોધી આપવાનું વચન આપ્યું છે.

વાડિયા ગામનાં એક ગરીબ પરિવારે તેમની બે દીકરીઓને સન્માનપૂર્વક જીવન અપનાવવા માટે કટિબદ્ધ થઈને બંનેના લગ્ન કરાવવાની તૈયારી કરી હતી. પરિવાર અંત્યત ગરીબ હોવાથી મદદ માટે તેમણે ગુજરાતની પ્રજા સમક્ષ ટહેલ નાંખી હતી.

વિચરતા વિમુક્ત સમુદાય સમર્થન મંચ (વીવીએસએમ)નાં સંયોજક મિત્તલ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી વાડીયા ગામમાં સામાજિક-આર્થિક પરિવર્તન આવે એ માટે કામ કરી રહ્યાં છે. વાડીયા ગામમાં વસતા પરિવારો તેમની દીકરીઓ દેહવ્યાપારમાં ધકેલવાને બદલે, લગ્ન કરાવે અને દીકરીઓને નવું જીવન મળે એ માટે મિત્તલ પટેલે 2012થી નવી પહેલ શરૂ કરી છે. કોઇ પણ સમાજમાં, સમાજ પરિવર્તનની પ્રક્રિયા ધીમી પણ લાંબાગાળાની હોય છે.

મિત્તલ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં કહ્યું, “વાડીયા ગામ દેહવ્યાપાર માટે કુખ્યાત. ગામની દીકરીઓને પરિવારજનો જ આ વ્યવસાયમાં ધકેલે છે. જે દીકરીના માથે આ કલંક લાગે એના લગ્ન નથી થતાં પરંતુવાડિયામાં રહેતા બાબાભાઈ સરાણિયા અને રામાભાઈ સરાણિયાના પિતા ભેરાબાએ પોતાના પરિવારની દીકરીઓને આમાં નહીં ધકેલવાનો નિર્ણય કરી ગામમાં દેહવ્યાપારની પ્રથા શરૂ થઈ ત્યારથી કર્યો હતો. ભેરાબાના આ સંકલ્પને એમના દીકરાઓ વળગી રહ્યા હતા. હવે બાબાભાઇ અને રામાભાઇની દીકરીઓની સગાઇ થઇ ગઇ છે અને લગ્ન લેવાનાં છે. દીકરીઓને દેહવ્યાપારથી દૂર રાખી અને તેમનો સંસાર સુખી બને એ માટે લગ્ન કરાવવાની તેમની નેમ ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેમના પરિવારની ગરીબાઇ એવી છે કે, ક્યારેક તો ઘરમાં ખાવાય ના હોય. આવામાં દીકરીઓને લઈને કેટલીએ લોભામણી લાલચો તેમની સામે આવતી. આમ છતાંય તેઓ મકકમતા રહ્યા અને નક્કી કર્યુ કે, ભૂખે મરી જઈશું પણ અમારી દીકરીઓને નર્કમાં નહીં ધકેલીએ.

(7:45 pm IST)