Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઘરે-ઘરે જઇ જુના પુસ્તકો ભેગા કરવા શિક્ષકોને સરકારનો આદેશ

અમદાવાદ તા.૧૯ : પ્રવેશોત્સવથી લઇને ગુણોત્સવ સુધીના તાયફા કરતી ભાજપ સરકારના શાસનમાં પ્રાથમિક - માધ્યમિક શાળાઓને શિક્ષણનો મૃત્યુઘંટ વાગી ગયો છે ત્યારે ગુજરાત મોડેલને શરમજનક કરનાર ભાજપ સરકારે શિક્ષકોને જૂના પુસ્તકો ભેગા કરવાના સોપેલા કામને શખ્ત શબ્દોમાં વખોડી કાઢતા કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. હિમાંશુ પટેલે જણાવ્યુ છે કે સેલ્ફ ફાઇનાન્સ અને કરાર આધારિત શક્ષણ આપતી આ સરકાર ઘરે ઘરેથી પસ્તી ભેગી કરવાનું કામ સોંપી ગુરૂજનોનું અપમાન કરી રહી છે.

ગુજરાત પ્રદેશ કોલંગ્રેસના પ્રવકતા ડો. હિમાંશુ પટેલે જણાવ્યુ છે કે , ભાજપ સરકાર રાજ્યના શિક્ષકો સાથે દુશ્મનની જેમ કેમ વર્તી રહી છે. તે પ્રશ્ન ભાજપના ભકતો સહિત શિક્ષણનું હિત ઈચ્છતા સૌ કોઇને થઇ રહ્યો છે. ભાજપના પુર્વ કેન્દ્રિય મંત્રી શિક્ષકો દારૂ પીતા હોવાનુ કહી અપમાન કરે તેને સરકાર છાવરી રહી છે. 

થોડા સમય પહેલા જળસંચય અભિયાનમાં શિક્ષકો પાસે ખાડાખોદાવનાર ભાજપ સરકારે બાળમજૂરીના નામે શાળાઓમાં સફાઇ કાર્યક્રમ બંધ કરાવ્યો છે. પરંતુ સરકાર દ્વારા શિક્ષકોને જ કચરો વાળવો પડે છે. આમ છતા પ્રવેશોત્સવ કે ગુણોત્સવમાં કેટલાંક અધિકારીઓ મહેમાનગતી જ માણવા આવી રોફ જમાવતા હોવાનું બહાર આવી રહેલા કિસ્સાઓ પણ ગુજરાત મોડેલ માટે શરમજનક છે. આથી શિક્ષણ સિવાયની ઈત્તર પ્રવૃસતિઓ કરાવવાનું બંધ કરાવી શિક્ષકોના નૈતિક મનોબળને ઉંચુ લાવવામાં આવશે તો જ શિક્ષણની ગુણવત્તા સુધરશે એમ જણાવતા ડો. હિમાંશુ પટેલે તઘલખી નિર્ણય કરતા અધિકારીઓ કે શિક્ષણ વિભાગના જવાબદાર લોકોને જ પસ્તી ભેગી કરવાનું સોંપી કચરો સાફ કરવા અપીલ કરી છે.

(11:36 am IST)