Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અમદાવાદના વૈજ્ઞાનિકોએ શોધ્યું 'વન્ડર વોટર': ફ્રુટ-શાકભાજી ૪૦ દિવસ સુધી રાખે છે ફ્રેશ

નવતર પાણીના ઉપયોગથી નથી બગડતા ફ્રુટ અને શાકભાજી

અમદાવાદ તા. ૧૯ : શહેરમાં આવલે ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ(IPR)ના સંસોધકોને 'વન્ડર વોટર' શોધવામાં સફળતા મળી છે. આ પાણીને વન્ડર અથવા તો ચમત્કારીક કહેવા પાછળનું કારણ છે કે તેમાં ઝબોળેલા ફ્રુટ અને શાકભાજી કોઈપણ જાતના કેમિકલ વગર પણ ૪૦ દિવસ સુધી ફ્રેશ રહી શકે છે. આ પાણી ફ્રુટ અને શાકભાજીમાં સડા માટે જવાબદાર E. Coli ફંગસ અને બીજા માઇક્રોબ્સની વૃદ્ઘીને અટકાવી દે છે.

IPRના સંશધકોએ ગાંધીનગર ખાતે આવેલ ફેસિલિટેશન સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રિયલ પ્લાઝમા ટેકનોલોજીસ(FCIPT) ખાતે પ્લાઝમા એકિટવેટેડ વોટર સિસ્ટમ વિકસાવી છે. સંશોધકોએ જણાવ્યું કે પાછલા થોડા મહિનાથી આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સામાન્ય પાણીને નોન-થર્મલ પ્લાઝમા દ્વારા ટ્રિટમેન્ટ આપવાથી તે પ્લાઝમા એકિટવેટેડ વોટર અથવા વન્ડર વોટરમાં બદલાઈ જાય છે.

આ પાણીના ઉપયોગ અંગે સંશોધન દરમિયાન જણાયું કે તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં એન્ટિ માઇક્રોબાયલ પ્રોપર્ટીઝ છે. ગુજરાત એન્વાયરોમેન્ટ મેનેજમેન્ટ ઇન્સિટ્યુટ(GEMI) ખાતે કરવામાં આવેલ તેના ટેસ્ટિંગમાં જાણાવા મળ્યું કે આ વન્ડર વોટર ફ્રુટ અને શાકભાજીમાં રહેલા escherichia coli(E.coli) બેકટેરિયાનો સફાયો કરી દે છે. GEMIના ડો. નતાશા ખત્રીએ કહ્યું કે PAWના ટેસ્ટ પરિણામ ખૂબ જ ઉત્સાહજનક આવ્યા છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પાણીમાં રહેલા પ્લાઝમાના કારણે તે E coli બેકટેરિયા અને તેના કારણે થતી ફંગસને સેકન્ડોમાં દૂર કરે છે. જયારે અન્ય કેમિકલ યુકત દવાઓ આ માટે ૧૫-૨૦ મિનિટ જેટલો સમય લે છે અને તેમ છતા વન્ડર વોટરની સરખાણીએ રિઝલ્ટ મળતું નથી.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ વન્ડર વોટર ખેડૂતો, વેપારીઓ અને ગૃહિણીઓને ખૂબ જ મદદરૂપ બની શકે છે. કેમ કે તેમાં ઝબોળેલા ફ્રુટ અને વેજિટેબલની નેચરલ લાઇફ ખૂબ વધી જાય છે. ઉપરાંત આવા ફ્રુટ અને શાકભાજીને કોલ્ટસ્ટોરેજમાં પણ સ્ટોર કરવાની જરૂર નથી પડતી તે ૪૦ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર રહી શકે છે.(૨૧.૮)

(10:50 am IST)