Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સિવિલ હોસ્પિટલથી પાંચ જ માસમાં ૨૫ વાહનો ચોરાયા

વાહનચોરો માટે સિવિલ હોટફેવરીટ સ્થળ બન્યું: વાહનચોરીના વધી રહેલા બનાવો : સિવિલ હોસ્પિટલની સુરક્ષા અને પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલ ઉઠ્યા

અમદાવાદ,તા. ૧૮: શહેરમાં વાહનચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે પરંતુ તેમાં પણ વાહનચોરો માટે શહેરની અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ સૌથી હોટફેવરીટ અને હાથવગુ લોકેશન બની ગયુ છે કારણ કે, સિવિલ હોસ્પિટલમાંથી વાહનચોરો બિન્દાસ્ત રીતે ગમે ત્યારે ભારે આસાનીથી વાહનચોરી કરવામાં સફળ થઇ જાય છે. છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાંથી તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં ૨૫ જેટલાં વાહનોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધુ ટુ વ્હીલર ચોરાયાં છે. સિવિલ હોસ્પિટલમાંથી માત્ર પાંચ જ મહિનામાં ૨૫ વાહનોની ચોરી થતાં હવે સિવિલ હોસ્પિટલની સીકયોરીટી અને પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠયા છે. એકાએક વાહન ચોરીના બનાવો વધતાં શાહીબાગ પોલીસે ત્રણ પોલીસકર્મીઓને સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરી અટકાવવા તહેનાત કર્યા છે. માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ અમદાવાદ શહેરમાંથી દરરોજ પાંચથી વધુ વાહનોની ચોરી થાય છે. વાહનચોરીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો હોવા છતાં શહેર પોલીસ વાહનચોરીને અટકાવવામાં નિષ્ફળ રહી છે. શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં દરરોજના હજારો લોકો સારવાર માટે આવતા હોય છે. તેમના વાહનોનું પાર્કિંગ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવે છે. સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં આવતા લોકોનાં વાહનો હવે સુરક્ષિત નથી રહ્યાં કારણકે હોસ્પિટલના ર્પાકિંગમાં પાર્ક કરેલાં વાહનોની ઉઠાંતરીની ઘટનાઓમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં મહિનામાં પાંચ જેટલાં વાહનો ચોરાય છે. સિવિલ હોસ્પિટલમાં મોટાભાગે બી.જે મેડિકલ કોલેજ પાસેના ર્પાકિંગ, પી.એમ રૃમની સામે અને ટ્રોમા સેન્ટરના સામેના ભાગેથી સૌથી વધુ વાહનોની ચોરી થાય છે. ચોર ટોળકી માત્ર ટુ વ્હીલર જ નહિ રિક્ષાઓની પણ ચોરી કરે છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અને સિક્યોરિટી કંપની જ પોલીસને ગાંઠતી નથી. અનેકવાર હોસ્પિટલના પાર્કિંગમાં નાઇટ વિઝનવાળા સીસીટીવી નખાવવાનું કહ્યું હોવા છતાં નાખ્યાં નથી અને ગાર્ડ તો માત્ર પગાર લેવા જ આવતા હોય તેમ સિવિલમાં ફરતા રહેતા હોય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે.પટેલે જણાવ્યું હતું કે વાહન ચોરી અટકાવવા સિવિલમાં પોલીસકર્મીઓ મુક્યા છે અને ચારથી પાંચ વાહનો રિકવર પણ કર્યા છે જેથી મહદ અંશે વાહનચોરી અટકી છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોરીના ૨૫૦૦થી ૩૦૦૦ બનાવો બને છે, તેમાંથી ૬૦ ટકા કિસ્સાઓ વાહન ચોરીના હોય છે. જેની સામે ડિટેક્શનનો આંકડો ખૂબ જ ઓછો જોવા મળે છે. વર્ષ ૨૦૧૭માં શાહીબાગ વિસ્તારમાં વાહન ચોરીના બનેલા ૩૫ બનાવો પૈકી સિવિલ હોસ્પિટલમાંથી જ ૩૦ વાહન ચોરાયાં હતાં. શહેરમાં સૌથી વધુ સોલા સિવિલ હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિટલ,વસ્ત્રાપુર લેક, આલ્ફાવન મોલની બહાર, ફ્લેટનાં પાર્કિંગમાંથી, મોટા મોલના બહારના ભાગેથી વાહનોની ચોરી થતી હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે.

(9:51 pm IST)