Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેડૂતોની ૧૮૦ હેક્ટર જમીન છીનવાઇ જવાની આશંકાઃ નારાજ ખેડૂતો દ્વારા સુરતમાં ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શન

સુરતઃ કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે અનેક ખેડૂતોને મુશ્કેલી પડશે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે અને સુરતમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.

આ રેલીમાં કોસંબા, કામરેજ અને પલાસાણાના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોનો આરોપ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ખેડૂતોની 180 હેક્ટર જમીન છીનવાઇ જવાની આશંકા છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની કાર્યવાહી અંગે રાજય સરકારે જાહેરનામું બહાર પાડયું હતું આ માટે પ્રક્રિયા પણ શ રૂ કરી છે. આ પ્રોજેક્ટને લઈને જ જમીન અસરગ્રસ્ત થવાની છે અને જે સંપાદનમાં લેવામાં આવશે તે જમીન તથા મિલકતોના માલિકોને ગુજરાત સરકારના સંપાદનના 2013 ના કાયદા મુજબ જ વળતર આપવામાં આવશે, ખેડૂતો આ વાતનો વિરોધ કરી રહ્યાં છે, ખેડૂતોનું કહેવું છે કે સંપાદનના 2013ના કાયદા મૂજબ વળતર આપી રહી છે, જે પોસાય તેમ નથી, અમને 2018ના કાયદા મુજબ વળતર ચૂકવવું જોઇએ.

ગુજરાતમાં કુલ 966 હેક્ટર જમીન સંપાદન થવાનો અંદાજ છે. ગુજરાતમાં 349 કિલોમીટર દોડનારી બુલેટ ટ્રેન માટે વાપી, બીલીમોરા,સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ જિલ્લાની જમીનો સંપાદન થવાની છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ કલમ 10(એ) મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયા બાદ ક્યાં વિસ્તારની કેટલી જમીન સંપાદન થશે તે અંગે ઇરાદો જાહેર કરાયો હતો હવે રાજ્યના મોટાભાગના જિલ્લામાં આ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને હવે કલમ-11 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની અંતિમ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં હવે સંપાદન થનારી જમીન માટે માપણીની શરૂઆત થશે. ત્યારબાદ ડિમાર્કેશન પણ કરવામાં આવશે. ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. જાપાનના સહયોગથી આ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન જમીનથી 15 થી 20 ફુટ ઉપર દોડશે જેથી ઓછી જમીન સંપાદન થશે.

(6:45 pm IST)