Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

અમદાવાદ અને જીલ્લામાં પાણીના વહેણમાં અવરોધરૂપ સ્‍ટ્રકચર દૂર કરવા તાકીદઃ ક્‍વીક રિસ્‍પોન્‍સ ટીમ બનાવી રાખવા આદેશ

અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલેની અધ્‍યક્ષતામાં જીલ્લા સેવા સદનમાં પ્રિ-મોન્‍સુન બેઠક યોજાઇ

અમદાવાદઃ ચોમાસુ નજીક આવતા અમદાવાદ જીલ્લા કલેકટરે આફતના સમયે પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ વિભાગના અધિકારીઓની એક બેઠક જીલ્લા સેવા સદનમાં બોલાવી હતી. આ બેઠકમાં જીલ્લા તરવૈયાની યાદી, હેમ રેડીયો વાયરલેસ સેટ, બોટ તેમજ ઇમરજન્‍સી સેવા અને મશીનરીની વ્‍યવસ્‍થા સોથે તમામ તૈયારી રાખવા તાકીદ કરી હતી.

રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષાઋતુ પ્રારંભ થવાની શક્યતા છે ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો આવે તો તેના પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સૂન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને ‘ઝીરો કેઝ્યૂઅલ્ટી’ અભિગમથી કામ કરવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના વરસાદ પર પણ નજર રાખવા તાકીદ કરી હતી.

કલેક્ટરે વધુમાં અમદાવાદ જિલ્લાના અગાઉ પૂરથી અસરગ્રસ્ત અને સંભવિત જોખમવાળા તથા નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી IEC (Information Education Communication)પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશાનિર્દેશ આપ્યા હતા. તેમણે નેશનલ હાઈ-વે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી હતી. આ ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઈનેજ બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું.

જિલ્લાતરવૈયાઓની યાદી, હેમ રેડિયો, વાયરલેસ સેટ, બોટ તેમજ ઇમરજન્સી સમયે ઉપયોગી સેવા અને મશીનરી વ્યવસ્થાની સાથે ક્વીક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવાની તાકીદ કલેક્ટર દ્વારા આ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરે આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલું કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા તેમજ રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા તેમજ આશ્રય સ્થાનોની મુલાકાત લેવા અધિકારીઓને સુચના આપી હતી.

જિલ્લા કલેક્ટરે આફતના સમયે કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમજ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ કર્યું હતું. જયારે પશુપાલન વિભાગના અધિકારીને ચોમાસાના સંદર્ભે પશુના રસીકરણ અંગેની વ્યવસ્થા વિશે પણ સૂચનો કર્યું હતું. મામલતદારોને તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, પાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિસ્તારના સિટી ડિઝાસ્ટર પ્લાન તેમજ તમામ તાલુકાના વિકાસ અધિકારીઓને વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઓનલાઇન અપડેટ કરવાની કામગીરી કરવા માટેની સુચના પણ કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન સિંચાઇ વિભાગ દ્વારા નિયમિત રૂપે દર બે કલાકે વરસાદની અને તેના લગતી સ્થિતિનું અપડેટ સતત આપતા રહેવા માટેના અગાઉથી નિયત પ્લાનને અનુસરવા જણાવ્યું હતું, કલેક્ટરે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ રાબેતા મૂજબ શરૂ કરી દેવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. આ કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક ચાલું રાખવામાં આવશે અને તેની પર અધિકારીઓ દ્વારા સતત મોનીટર કરવામાં આવશે. આ બેઠકમાં કલેક્ટરે સંભવિત આફત બાદ આરોગ્ય, વીજળી, પાણી પૂરવઠો તાત્કિલક મળી રહે તે માટેના સૂચનો અને માર્ગદર્શન પણ આપ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો તેમજ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:45 pm IST)