Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ડી.જી.વી.સી.એલ. કંપનીના કર્મયોગીઓ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી યુદ્ધના ધોરણે ચાર ગામડાઓમાં ખોરવાયેલો વીજપુરવઠો ગણતરીના કલાકોમાં જ પૂર્વવત કરાયોઃ

‘‘તાઉ-તે’’ વાવાઝોડાના કારણે ઓલપાડ તાલુકાના નંધોઈ ગામે એક સાથે ધરાશાયી થયેલા ૧૫ થાંભલાઓને યુધ્ધના ધોરણે ઉભા કરાયાઃ ઓલપાડ સબ ડિવિજનના ૨૨ કર્મયોગીઓ ત્રણ દિવસથી રાત-દિવસ જોયા વિના વિજપુરવઠો મળી રહે તે માટે ખડેપગે કાર્ય કરી રહ્યા છેઃ

સુરત: ‘‘તાઉ-તે’’ વાવાઝોડાએ પવનના સુસવાટાઓ સાથે દરિયાકાંઠાના વિસ્તારો ઓછેવત્તે અંશે ખાનાખરાબી સર્જી છે. સુરત જિલ્લાના ઓલપાડના દરિયાકિનારાના ગામોમાં ભારે પવન ફુંકાવાના કારણે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીપાક, વૃક્ષો તથા વીજપુરવઠો અસરગ્રસ્ત થયા હતા. તા.૧૭મી મેના રોજ નંધોઈ વિસ્તારમાં ૧૫ જેટલા વિજ થાંભલાઓ પડી જતા નંધોઈ, ભટગામ, અસનાડ, કમરોલી એમ ચાર ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો.  જાણ થતા દક્ષિણ ગુજરાત વિજ કંપની ઓલપાડ સ્થિત નાયબ ઈજનેર સી.એચ.મોદીની ટીમ ઘટના સ્થળે પહોચીને કામગીરી આરંભી હતી. સાથે ભટગામના યુવાનો પણ વીજકંપની સાથે ખભેખભા મિલાવીને થાંભલાઓ યુધ્ધના ધોરણે ઉભા કરીને વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો.
વિગતો આપતા નાયબ ઈજનેર ચિરાગ મોદી જણાવે છે કે, તા.૧૭મી મેના સાંજના ૪.૦૦ વાગે વરસાદ અને પવનના કારણે ૧૫ થાંભલાઓ પડી ગયા હતા. યુધ્ધના ધોરણે અમારી વીજકંપની ૨૨ જેટલા કર્મચારીઓ અને ભટગામના યુવાનોના સહયોગથી રાત્રીના ૮.૦૦ વાગ્યા સુધીમાં થાંભલાઓ ઉભા કરી મધ્યરાત્રી સુધીમાં ચાર ગામોનો ૧૧૦૦ જેટલા વીજ કનેકશનો કાર્યરત કરી દેવામાં આવ્યો હતો. વધુમાં કહ્યું કે, ઓલપાડ સબ ડિવિજનમાં આવતા ૩૭ ગામોમાં ૫૦ થી વધુ થાંભલાઓ ધરાશાયી થયા હતા. જેને યુધ્ધના ધોરણે વીજપુરવઠો નિયમિત કરવા માટે અમારી ટીમના ડે.એન્જિનીયર, લાયનમેન, હેલ્પર સહિતની ૨૨ કર્મચારીઓ સતત ત્રણ દિવસથી દિવસ-રાત જોયા વિના કામગીરી કરી રહ્યા છે.
 ભટગામના યુવાન ૩૧ વર્ષીય રાહુલ પટેલે જણાવ્યું કે, ગતરોજ વાવાઝોડાના કારણે અમારા ગામનો વીજપુરવઠો ખોરવાયો હતો. જેને વીજકંપનીના કર્મચારીઓ તથા અમારા ગામના ગ્રામજનો સાથે મળીને રાતભર કામ કરીને થોડા કલાકોમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો છે જે બદલ અમો સૌ ગ્રામજનો તેઓનો આભાર માનીયે છીએ.    

(7:31 pm IST)