Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડાએ વિદાય તો લીધી પરંતુ બનાસકાંઠા જીલ્લામાં ખાનાખરાબી ન સર્જાતા લોકોએ અને વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો

બનાસકાંઠા :સતત બે દિવસથી તૌકતે વાવાઝોડું સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યું હતું. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. આખરે મોડી રાત્રે વાવાઝોડું ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી રાજસ્થાન તરફ ગયું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો. સૌરાષ્ટ્રથી ઉદભવેલુ વાવાઝોડું જ્યા જ્યાથી પસાર થયુ ત્યાં ત્યા ખાનાખરાબી સર્જીને ગયું. જોકે બનાસકાંઠા જિલ્લામાં તેની અસર નહિવત જેવી જોવા મળી.

બનાસકાંઠામાં કોઈ ખાનાખરાબી સર્જાઈ

તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી વિદાય લેતા સમયે બનાસકાંઠામાંથી પસાર થયું હતુ. બનાસકાંઠા વાવાઝોડાના માર્ગનો છેલ્લો જિલ્લો હતો. આથી બનાસકાંઠાનું વહીવટી તંત્ર તેને પહોંચી વળવા સજ્જ બન્યું હતું. પરંતુ બનાસકાંઠામાં તૌકતે વાવાઝોડાનું સંકટ ટળ્યું હતું. જેથી જિલ્લાવાસીઓમાં હાશકારો થયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા. સાથે અન્ય જિલ્લાઓમાં જે ખાનાખરાબી સર્જાઈ છે તે પણ સર્જાઈ નથી.

બનાસકાંઠા પહોંચતા પહેલા વાવાઝોડાએ દિશા બદલી હતી

વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલને નુકસાન થાય તે માટે ગ્રામ્યકક્ષા સુધી વ્યવસ્થા ગોઠવી લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. જોકે બનાસકાંઠામાં વાવાઝોડું આવે પહેલાં વાવાઝોડાએ તેની દિશા બદલી હતી અને મોડી રાત્રે વાવાઝોડું મહેસાણાથી સતલાસણા થઈને રાજસ્થાનમાં પ્રવેશી જતાં બનાસકાંઠામાંથી સંકટ ટળ્યું હતું. જોકે તૌકતે વાવાઝોડાના કારણે જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા અને ઝરમર ઝરમર વરસાદ થતાં જિલ્લાના અનેક પંથકોમાં બાજરી સહિતના પાકો નમી જતાં ખેડૂતોને ઓછાવતું નુકસાન થયું છે.

સરહદી વિસ્તારમાં લાઈટ ગુલ થઈ હતી

વાવાઝોડાની થોડી અસરના ભાગરૂપે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. તો આગોતરા પ્લાનિંગ મુજબ ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા પંથકમાં વીજળી બંધ કરાઈ હતી. આમ લોકોને થોડો સમય વરસાદી માહોલ વચ્ચે વીજળી વગર રહેવુ પડ્યુ હતું.

વીજ પુરવઠો જાળવી રાખવા UGVCL ની 40  ટીમો તૈનાત હતી

જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરમાં પણ સતત વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે યુ.જી.વી.સી.એલ.ની 40  ટીમો સહિત અલગ-અલગ વિભાગોની ટીમો તૈનાત કરાઈ હતી. તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાકક્ષાએ પાલનપુર સહિત જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરી સ્થાનિક કક્ષાએ કોઇપણ ઘટના બને તો તાત્કાલિક કંટ્રોલ રૂમ પર જાણ કરવા અપીલ કરી હતી.

(4:52 pm IST)