Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્યધામ, ખેડાના સંતો દ્વારા સ્થળાંતરિતોને ભોજન કરાવાયું...

તાઉ તે વાવાઝોડાને પગલે મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લાના વાત્રક નદી કાંઠાના આજુબાજુના વિસ્તારના તેમજ ઝૂંપડાઓમાં રહેતા લોકોને ખેડા નગરપાલિકા દ્વારા કુમાર પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. આ અસરગ્રસ્તોની સારસંભાળ રાખવા માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની આજ્ઞાથી શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ - શ્રી સ્વામિનારાયણ મંદિર, ખેડાના સંતોએ સ્વયં ખીચડી - કઢી બનાવીને જમાડ્યા હતા. વાવાઝોડાને પગલે અસરગ્રસ્તોને ચિંતા ન કરવા અને જ્યાં સુધી વાવાઝોડાની અસર દૂર ના થાય ત્યાં સુધી સલામત સ્થળે રહેવા મહંત શ્રી નિર્માનપ્રિયદાસજી સ્વામીએ ભલામણ કરી હતી. કુમાર શાળામાં 200થી વધુ સ્થળાંતરીત લોકોને સંતોએ જાતે જ ભોજન કરાવ્યું હતું. ખેડા મંદિરમાં સંતોએ ખીચડી તેમજ કઢી બનાવીને જાતે જ જઈને અસરગ્રસ્તોને આપી આવી કપરી સ્થિતિમાં હિંમત ન હારવા અને ભગવાન પર વિશ્વાસ રાખવા માટે કહ્યું હતું. ગુજરાતમાં જ્યારે પણ કુદરતી આપદા આવી છે ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સમાજ સેવામાં ખડેપગે હાજર રહીને સંતો જાતે જ માનવસેવા કાર્યમાં તત્પર રહે છે. ગુજરાતમાં આવેલી આ કુદરતી આપદા સામે સમય પસાર કરીને લડવાનું છે. આવા સામાજિક કાર્યમાં શ્રી પરમસુખદાસજી સ્વામી તેમજ શ્રી વિશ્વેશ્વરદાસજી સ્વામી પણ હાજર રહ્યા હતા.

(10:03 am IST)