Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ટ્રેનની ટિકિટ માટે

ડુપ્લીકેટ ટોકન બનાવી શ્રમિકો સાથે રૂપિયા પડાવનારા ૩ની ધરપકડ

અમદાવાદ, તા. ૧૯: એક તરફ લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પોતાના વતન જવા માટે આતુર છે ત્યારે કેટલાક લોકો આવી કપરી સ્થિતિમાં પણ માનવતા ભૂલીને આ ગરીબ મજૂરો સાથે છેતરપિંડી કરીને તેમને લૂંટી રહ્યા છે. અમદાવાદના પૂર્વ  વિસ્તારમાં યુપી અને બિહાર જવા માગતા મજૂરો પાસેથી ૩ લોકોએ ડુપ્લીકેટ ટોકન બનાવી ટોકન દીઠ ૧૦૦૦ રૂપિયા લઈને છેતરપિંડી આચરી હતી. આ મામલે રામોલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સરસપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભાડુ વસૂલી રજિસ્ટ્રેશન ટોકન આપવામાં આવતું હતું. ૩ ગઠિયાઓએ આ ટોકન પરથી ડુપ્લિકેટ ટોકન બનાવી શ્રમિકો પાસેથી ૧૦૦૦-૧૦૦૦ રૂપિયા પડાવ્યા હતાં. પોલીસના જણાવ્યા મુજબ, આ ત્રણેય શખ્સો ભારત વિકાસ પરિષદમાં કાર્યકર્તા તરીકે જ કામ કરતા હતાં. આ શખ્સોએ ટોકનનો ફોટો પાડી, સ્કેન કરી અને પ્રિન્ટ કાઢી લેતા હતા અને પછી મજૂરોને ૧૦૦૦ રૂપિયામાં વેચતા હતાં.

ભારત વિકાસ પરિષદ દ્વારા ગત ૧૫ તારીખે યુપી જવા કુલ ૬ ટ્રેનમાં ૯ હજારથી વધુ રજિસ્ટ્રેશન કરાયા હતાં. જેમાંથી લગભગ ૩૫૦ જેટલા શ્રમિકો બાકી રહી ગયા હતાં. જે ૧૬મીએ જવાના હતાં. પરંતુ તેમને અપાયેલી ટોકનનો રંગ અલગ જણાયો હતો. પૂછપરછમાં એક મજૂરે પોતે નિકોલમાં રહેતા સંજય મિશ્રા નામના શખ્સ પાસેથી ૧૦૦૦ રૂપિયામાં ટોકન ખરીદ્યાનું જણાવ્યું હતું. સંજયની પૂછપરછ કરાતા તેણે નિકોલમાં જ રહેતા આદિત્ય શુક્લા અને ઓઢવમાં રહેતા અશોકસિંહ રાજપૂત પાસેથી ૭૫૦ રૂપિયાના ભાવે ટોકન ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. જેના પર તે ૨૫૦ રૂપિયા કમિશન ચડાવી મજૂરોને વેચતો હતો. રામોલ પોલીસે મજૂરોને ડુપ્લીકેટ ટોકન આપી છેતરપિંડી કરનારા આ ત્રણેય શખ્સની ધરપકડ કરી લીધી છે.

(4:04 pm IST)