Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

DySPના ત્રાસના લીધે બ્રોકરે આત્મહત્યા કરી લેતાં ચકચાર

નોટમાં ડીવાયએસપીના ત્રાસનો ઉલ્લેખ કરાયો : ડીવાયએસપી સહિતના કસૂરવારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા પરિવારની માંગ : યોગ્ય તપાસની પોલીસે આપેલ ખાતરી

અમદાવાદ,તા. ૧૯  : અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે શનિવારે મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેમણે ડીવાયએસપી ચિરાગ પટેલ(સવાણી)ના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કરતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મૃતક બ્રોકરક ભરત પટેલના પરિવારજનો દ્વારા પણ જયાં સુધી ડીવાયએસપી ચિરાગ પટેલ સહિતના કસૂરવારો વિરૂધ્ધ કાર્યવાહી ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો, જેને લઇને મામલો ગરમાયો હતો પરંતુ પોલીસની ભારે સમજાવટ અને યોગ્ય તપાસની ખાતરી બાદ આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. રાણીપ પોલીસે હાલ તો આ કેસમાં અકસ્માત મોત નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.  બીટકોઈનના બ્રોકર ભરત પટેલે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં ૧૧૫૭૫ બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ પટેલ(સવાણી)ના ત્રાસ અને ધમકીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાણીપના ભરત પટેલ બિટકોઈન ટ્રેડીંગનું કામ કરતા હતા. ગઇ મોડી રાત્રે તેમણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, બ્રોકર ભરત પટેલે ગળાફાંસો ખાતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, હું લખનાર પોતે ભરતકુમાર ભાખાભાઈ પટેલ મારા ત્યાં હરીશ સવાણી (મોન્ટુ), ગાંધીનગર  અને એમના નાના ભાઈ ચિરાગ સવાણી જે ડીવાયએસપી છે. મોબાઈલ નંબર મારા ઘરે આવ્યા હતા. હું બીટકોઈનનું ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે જે પાંચ બીટકોઈન ટ્રેડિંગ કરવા આપેલા, જે લોસ થતાં પાંચ  બીટકોઈનનો ૧૧૫૭૫ બીટકોઈનનો હિસાબ માગે છે. મારા ઉપર આ બંને ભાઈઓનું ભયંકર પ્રેશર છે. બીટકોઈન રિકવરીથી હું ખૂબ જ પરેશાન છું. મારું જીવવું હરામ થઈ ગયું છે. બાકી ચિરાગ સવાણી ડીવાએસપીએ પણ મને ઘરે આવી પુરા બીટકોઈન આપી દેવાની ધમકી આપેલ છે. હું આપઘાત કરવા મજબૂર બન્યો છું. મારા સ્યુસાઈડ પાછળ આ બંને ભાઈઓનું પ્રેશર જવાબદાર છે. આ કામમાં મારું ફેમિલી નિર્દોષ છે.

મારા ફેમિલીનો આમાં કોઈ હાથ નથી તે નિર્દોષ છે. એ જ લિ. ભરતકુમાર ભીખાભાઈ પટેલ. સ્યુસાઇડ નોટમાં ડીવાયએસપી ચિરાગ પટેલ(સવાણી)નું નામ સામે આવતાં મામલો ગરમાયો હતો. પરિવારજનોએ જયાં સુધી ડીવાયએસપી સવાણી સહિતના આરોપીઓ સામે કાર્યવાહી ના થાય ત્યાં સુધી બ્રોકર ભરત પટલેનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, પોલીસે સમગ્ર મામલાં યોગ્ય અને ન્યાયી તપાસની ખાતરી આપી ભારે સમજાવટ કરતાં આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જો કે, પરિવારજનોએ આ કેસમાં ડીવાયએસપી ચિરાગ પટેલ સહિતના જવાબદાર લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી હતી.

(9:41 pm IST)