Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

કુવૈતના દરિયામાં માછીમારો ઉપર ચાંચિયાઓનો હૂમલોઃ અંધાધૂંધ ગોળીબારમાં બીલીમોરાના ખાપરવાડાના માછીમારનું મોત

નવસારી :કુવૈતના દરિયામાં ગુજરાતની માછીમારો પર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો. જેમાં બીલીમોરના ખાપરવાડાના એક માછીમારનું મોત નિપજ્યું છે. ચાંચિયાઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા દલસુખ ટંડેલ નામના માછીમારને બે ગોળી વાગી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના અનેક સાગરખેડુઓ માછીમારી કરવા માટે દરિયો ખેડતા હોય છે. આવામાં તેઓને અનેક જોખમોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ખાપરવાડા માછીવાડના દલસુખભાઈ ટંડેલ છેલ્લા 20 વર્ષોથી અખાતી દેશોમાં માછીમારી કરવા જાય છે. તેઓ કુવૈતમાં આરબ શેઠની અબુઅલીની બોટથી માછીમારીનું કામ કરતા હતા. પરંતુ 6 મેના રોજ તેઓ તેમના પુત્ર નયનકુમાર ટંડેલ સાથે કુબ્બર બંદરેથી માછીમારી કરવા ગયા હતા. માછીમારી કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણ દરિયાઈ ચાંચિયાઓ તેમની બોટમાં ધસી આવ્યા હતા. ચાંચિયાઓએ તેમની બોટમાં અંધાધૂંધ ગોળીબારી કરી હતી. જેમાં દલસુખ ટંડેલ ઘાયલ થયા હતા. જોકે, તેમનો પુત્ર નયનકુમાર અને વલસાડના દાંતી ગામનો યુવક બોટમાં છુપાઈ જતા બંને બચી ગયા હતા.

દલસુખભાઈને પેટમાં બે અને જાંઘના ભાગમાં એક એવી કુલ ત્રણ ગોળીઓ વાગી હતી. જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા દલસુખભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. લાંબી સારવાર બાદ 11 મેના રોજ તેમનું મોત નિપજ્યું હતું. ચાંચિયાઓએ દલસુખભાઈની બોટમાંથી 80 કુવૈતી દિનાર રોકડા, એક હાજર દિનીરની કિંમતી માછલીઓ અને કમ્પ્યૂટરની લૂંટ કરી હતી.

કેરળની ડેથકેસ એનજીઓ અને ભારતીય દૂતાવાસની મદદથી દલસુખભાઈનો મૃતદેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

(4:38 pm IST)