Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

તબીબો સ્વાસ્થ્ય-સ્વચ્છતા અને ટ્રાફિક નિયમના પાઠ ભણાવશે

અમદાવાદ ફેમીલી ફિઝિશીયન્સની ખાસ ઝુંબેશઃ શહેરની શાળા-કોલેજોના ૨૫ હજાર વિદ્યાર્થીઓને ઝુંબેશ હેઠળ આવરી લેવાશે : નાગરિકોને જાણકારી માટે મેસેજ

અમદાવાદ,તા. ૧૯, અમદાવાદ શહેરની વિવિધ શાળા-કોલેજોના આશરે ૨૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને હવે શહેરના ફેમીલી ફિજિશીયન્સ તબીબો દ્વારા સ્વાસ્થ્ય-સ્વચ્છતા અને ટ્રાફિક નિયમોના પાઠ ભણાવવામાં આવશે. અમદાવાદ ફેમિલી ફિઝિશીયન્સ એસોસિએશન (એએફપીએ) દ્વારા આજે વિશ્વ ફેમિલી ફિઝિશિયન્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહી, આ સામાજિક ઝુંબેશ દરમ્યાન અમદાવાદ ફેમીલી ફિઝિશીયન્સના તબીબોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં કસરત, ખોરાક, જંકફુડના સેવન, નિયમિતતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સહિતના મુદ્દાઓને લઇ એક ખાસ સર્વે પણ કરવામાં આવશે. બીજીબાજુ, શહેરના નાગરિકોને કોઇપણ વિસ્તારમાં કયા ફેમીલી ફિઝિશીયન ઉપલબ્ધ છે તેની હાથવગી જાણકારી મળી રહે તે માટે મોબાઇલ નંબર-૯૮૨૪૦૩૮૮૧૬ ની એક અનોખી હેલ્પલાઇન પણ શરૃ કરવામાં આવી છે. જેના મારફતે કોઇપણ નાગરિક તેના વિસ્તારમાં કયા ફેમીલી ફિઝિશીયન ઉપલબ્ધ છે, તેની માહિતી અને જાણકારી મેળવી શકશે એમ અત્રે એએફપીએના પ્રમુખ ડો.જે.સી.મહેતા અને સેક્રેટરી કમલેશ નાયકે જણાવ્યું હતું. સમાજનું ઋણ અદા કરવાના પ્રયાસોના ભાગરૃપે એએફપીએ દ્વારા આગામી જૂન માસથી અમદાવાદ શહેરની શાળા કોલેજોનાં અંદાજે ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓમાં મૂળભૂત સ્વાસ્થય, સ્વચ્છતા અને ટ્રાફિક નિયમોની જાગૃતિ આપવાની એક અનોખી ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દોઢ-બે મહિના સુધી ચાલનારી આ અનોખી ઝુંબેશ તા.૩૧મી જૂલાઇએ પૂર્ણ થવાની શકયતા છે. દરમ્યાન  એએફપીએનાં ખજાનચી ડો.પ્રજ્ઞેશ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, 'કોઈપણ દેશની સ્વાસ્થય સંભાળ પ્રણાલિમાં ફેમીલી ફિઝિશિયન્સ આધારસ્તંભ સમાન હોય છે. પ્રત્યેક પરિવારને એક ફેમિલી ફિઝિશિયન હોય તે ઈચ્છનીય છે. સમાજને કંઇક પાછું આપવાની ભાવનાના ભાગરૃપે એએફપીએ દ્વારા આવતા મહિનાથી શાળા-કોલેજો ખુલે ત્યારે ૨૫,૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓમાં મૂળભૂત સ્વાસ્થય, સ્વચ્છતા અને ટ્રાફિક નિયમોની આ જાગૃતિ ઝુંબેશ યોજવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સમાપ્તિ બાદ એસોસીએશનના તબીબોની ટીમ દ્વારા હાથ ધરાનારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, સ્વચ્છતા, કસરત સહિતના મુદ્દા પરના સર્વેના જાણવા મળેલા તારણોને તા.૧૫મી ઓગસ્ટ સુધીમાં જાહેર કરાશે કે જેથી વિદ્યાર્થીઓ આ બધી બાબતોનો ખ્યાલ આવી શકે. એએફપીએના પ્રમુખ ડો.જે.સી.મહેતા અને સેક્રેટરી કમલેશ નાયકે ઉમેર્યું હતું કે, 'અમારા આ કાર્યક્રમમાં ટ્રાફિક સભાનતાને ખાસ આવરી લેવામાં આવી છે. જેથી ભવિષ્યની પેઢી નાનીવયથી જ ટ્રાફિક નિયમોની શિસ્તનાં પાઠ શીખીને આદર્શ નાગરિક બની શકે. આ કાર્યક્રમ ઉપરાંત એએફપીએ દ્વારા ફેમીલી ફિઝિશીયન્સની મહત્વતા સમજાવતાં અંદાજે એક લાખ પેમ્ફલેટસનું વિતરણ કરવામાં આવશે. તદુપરાંત, શહેરના નાગરિકોની ખાસ તબીબી સેવાના ભાગરૃપે અમે એસએમએસ મેસેજ હેલ્પલાઈન પણ રજૂ કરી છે. જેમાં કોઈપણ દર્દી પોતાના વિસ્તારમાં નજીકમાં નજીક કયા ફેમિલી ફિઝિશિયન ઉપલબ્ધ છે તેની જાણકારી મેળવી શકશે અને આરોગ્ય વિષયક સારવાર મેળવી શકશે.

(9:34 pm IST)