Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

તાપમાનમાં આંશિક ઘટાડો છતાં ગરમીથી લોકો હેરાન

હજુ પણ અનેક વિસ્તારોમાં પારો ૪૩થી ઉપર : હિટવેવની કોઈ ચેતવણી જારી ન થતા તંત્રને મોટી રાહત થઈ : બપોરના ગાળામાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું

અમદાવાદ, તા.૧૯ : અમદાવાદ સહિત રાજ્યયભરમાં ગરમીના પ્રમાણમાં આજે આંશિક રીતે ઘટાડો થયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૪ ડિગ્રી નોંધાયું હતું. જોકે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારનો દોર જારી રહ્યો છે. આ સ્થિતિ હાલ યથાવત રહે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસ દરમ્યાન પારો ૪૧ થી ૪૪ ડિગ્રીની વચ્ચે રહી શકે છે. બીજી બાજુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ વધારે ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી. આજે રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટ ખાતે થયો હતો. જ્યાં પારો ૪૩.૭ રહ્યો હતો. આજે પણ ઘણા ભાગોમાં પારો ૪૩ થી ઉપર રહ્યો હતો. જેમાં અમરેલીમાં ૪૩.૪, રાજકોટમાં ૪૩નો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૨ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૮૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૨ જ દિવસમાં ૧૦૯ અને ટાઇફોઇડના ૧૨૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૨ દિવસના ગાળામાં ૧૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં અમદાવાદમાં આજે બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં હિટવેવની ચેતવણી બે દિવસ માટે જારી કરવામાં આવી છે જેના પરિણામ સ્વરુપે તંત્ર સાવધાન થઇ ગયું છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઈને કોઈ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ લોકો જોખમ લઈને બહાર નીકળવા માટે તૈયાર નથી. ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૪૨.૪

ડિસા............................................................. ૪૧.૧

ગાંધીનગર.................................................... ૪૨.૫

ઇડર............................................................. ૪૨.૨

વીવીનગર.................................................... ૪૧.૯

વડોદરા........................................................ ૪૧.૭

સુરત............................................................ ૩૪.૮

વલસાડ........................................................ ૩૪.૯

અમરેલી....................................................... ૪૩.૪

ભાવનગર..................................................... ૩૯.૯

રાજકોટ............................................................ ૪૩

સુરેન્દ્રનગર................................................... ૪૨.૮

ભુજ.............................................................. ૪૧.૬

નલિયા......................................................... ૩૬.૪

કંડલા એરપોર્ટ.............................................. ૪૩.૭

કંડલા પોર્ટ.................................................... ૩૮.૪

મહુવા             ૩૬.૪

(8:20 pm IST)