Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વ્યાજખોર શખ્સે યુવકને ત્રીજા માળેથી નીચે ફેંકી દેતા ચકચાર

ઘાયલ યુવકને સિવિલમાં ખસેડવાની ફરજ પડી : યુવકની માતાએ વ્યાજખોરની પાસેથી ૧.૪૦ લાખ વ્યાજે લીધા હતા તેમજ મહિનામાં ૮ હજાર વ્યાજ ચૂકવતી હતી

અમદાવાદ,તા. ૧૯ : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વ્યાજખોરે એક યુવકને ધક્કો મારીને ત્રીજા માળેથી ફેંકી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. યુવકની માતાએ વ્યાજખોર પાસેથી ૧.૪૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં તે દર મહિને આઠ હજાર રૂપિયા વ્યાજ ચૂકવતી હતી. વ્યાજ સમયસર નહી મળતાં વ્યાજખોર આરોપીએ આજે મહિલાના પુત્રને મેઘાણીનગરના ગુજરાત હાઉસીંગ બોર્ડના તેના મકાનમાં ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મેઘાણીનગર પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનમાં રહેતાં ૪૩ વર્ષિય ઉર્મિલાબહેન રાવતે આ જ વિસ્તારમાં રહેતાં કાંતાબહેન પંડિતના પુત્ર તુલસી પાસેથી ૧.૪૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.  ઉર્મિલાબહેન દર મહિને તુલસીને આઠ હજાર રૂપિયા વ્યાજ આપતાં હતાં. જોકે છેલ્લા બે મહિનાથી તે બીમાર હોવાથી વ્યાજ આપી શક્યાં નહીં. બે મહિનાથી વ્યાજના રૂપિયા નહીં મળતાં તુલસી ઉશ્કેરાયો હતો અને ઉર્મિલાબહેનના ઘરે જઇને ઝઘડો કર્યો હતો. તુલસીએ ઉર્મિલાબહેન પાસે બધા રૂપિયા માગી લીધા હતા. જોકે તેમની પાસે હાલ રૂપિયા નહીં હોવાનું કહેતાં તુલસી વધુ ઉશ્કેરાયો હતો. આ દરમિયાન ઉર્મિલાબહેનને પુત્ર ઉમેશ ગેલેરીમાં પાળી ઉપર બેઠો હતો. તુલસી ઝઘડો કરીને ઘરની બહાર નીકળ્યો. જ્યાં તેણે ઉમેશ સાથે પણ ઝઘડો કર્યો હતો. ઉમેશે ગાળો બોલવાની ના પાડતાં તુલસી ઉશ્કેરાયો હતો અને તેને ઉમેશને ધક્કો મારી દીધો હતો. ઉમેશ ત્રીજા માળેથી પટકાતાં ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાના કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:19 pm IST)