Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

બે વર્ષમાં ૩૦ કિમીના પટ્ટા પર ૧૨૪ના મોત થયા છે

કિલર હાઈવે તરીકે લોકો ઓળખવા લાગ્યા : નેશનલ હાઈવે-૮ શહેરના પરાવિસ્તારમાંથી પસાર થાય છે તેમજ વારંવાર અકસ્માતો થાય છે : અનેક રજુઆતો

વડોદરા, તા. ૧૯ : અકસ્માતોનો દોર યથાવત રીતે જારી રહ્યો છે. અમદાવાદ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ૧૯ લોકોના મોત થયા બાદ એકબાજુ આને લઈને આઘાતનું મોજુ ફરી વળ્યું છે ત્યારે આંકડા દર્શાવે છે કે છેલ્લા બે વર્ષના ગાળામાં જ ૩૦ કિલોમીટર લાંબા પટ્ટા પર મોટી સંખ્યામાં અકસ્માતો થયા છે. વડોદરા શહેરના પરા વિસ્તારથી પસાર થતા નેશનલ હાઈવે-૮ અથવા તો એનએચ-૮ને દેશમાં સૌથી વ્યસ્ત હાઈવે પૈકીના એક તરીકે ગણવામાં આવે છે પરંતુ સુંદરપુરા ગામ અને પદમલા ગામ વચ્ચેના ૩૦ કિલોમીટર લાંબા પટ્ટા પર સૌથી વધારે અકસ્માતો સર્જાય છે. આ વિસ્તારને કિલર હાઈવે તરીકે પણ ગણવામાં આવે છે. અકસ્માતોના ઉંચા રેટના કારણે ચિંતા વ્યક્ત કરીને વડોદરા શહેર પોલીસે લોકો માટે આ પટ્ટાને વધુ સુરક્ષિત બનાવવા માટે કામગીરી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે અકસ્માતોને રોકવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સમક્ષ શ્રેણીબદ્ધ સૂચનો કર્યા છે. ઘણા સૂચનો અમલી પણ બનાવી દેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના અકસ્માતો અને મોતના આંકડા પર નજર કરવામાં આવે તો આ બાબત સ્પષ્ટ થઈ જાય છે. એસીપી ટ્રાફિક અમિતા વાનાણીનું કહેવું છે કે એવા ૧૩ સ્પોટ શોધી કાઢવામાં આવ્યા છે જે પૈકી ૯ બ્લેક સ્પોટ તરીકે છે. અહીં સૌથી વધારે અકસ્માતો થાય છે.  ૨૦૧૫ થી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં શહેરની બહારથી પસાર થતા નેશનલ હાઈવે-૮ ના પટ્ટા પર ૧૮૭ અકસ્માતો થયા છે જે પૈકી ૧૨૪ના મોત થઈ ચુક્યા છે. અકસ્માતોની ઉંચી સંખ્યા પાછળના કારણો જાણવા માટે સ્પોટની ખાતરી કરવામાં આવી છે. એનએચએઆઈ અને વડોદરા-ભરૂચ ટોલ વે લિમિટેડને પત્રો પણ લખવામાં આવ્યા છે. હાઈવે ઉપર અકસ્માતોની સંખ્યાના મામલામાં ગંભીર નોંધ વારંવાર લેવામાં આવી છે. પોલીસ વિભાગનું કહેવું છે કે મોટાભાગના અકસ્માતો રાત્રિના ગાળામાં અથવા તો દિવસમાં વહેલી સવારે થાય છે. અકસ્માતોને રોકવા માટે રિફ્લેક્ટર્સની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેલી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા નેશલન હાઈવે નં.૮ થી પસાર થતા ઘણા બધા વાહનો પર રિફ્લેક્ટર્સ ગોઠવી દીધા છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રાફિક સેફ્ટી સપ્તાહ દરમ્યાન જુદા જુદા પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસ વિભાગે એનએચ-૮ પર સુરક્ષાને વધારવા માટે વિવિધ પગલાંઓ લીધા છે. ભારે વાહનોના પાર્કિંગને રોકવા સહિતના પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. સૂર્યાસ્ત થયા બાદ માર્ગની બાજુએ ભારે વાહનોને મુકી દેવાની પરંપરા ડ્રાઈવરોની જુની રહેલી છે. આવી સ્થિતિમાં અકસ્માતોનો ખતરો રાત્રિ ગાળામાં વધી જાય છે. કિલર હાઈવે પર અકસ્માતોની સંખ્યાની વાત કરવામાં આવે તો જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા અકસ્માતો થયા છે. નેશનલ હાઈવે-૮ અથવા તો એનએચ-૮ પર અકસ્માતો ચિંતાનો વિષય છે.

કિલર હાઈવે પર દુર્ઘટના

        વડોદરા, તા. ૧૯ : વડોદરા શહેરની બહારથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ના પટ્ટા પર ૨૦૧૫થી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ વચ્ચે ૧૮૭ અકસ્માતો થયા છે. જે ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ.............................. અકસ્માત............... મોત

જાબુંવા બ્રિજ................... ૩૩........................ ૨૭

સુપરાઈ બ્રિજ.................. ૨૧........................ ૧૧

તરસાલી બ્રિજ................. ૧૭........................ ૧૫

શ્રદ્ધા પેટ્રોલ પંપ.............. ૦૬........................ ૦૨

વાઘોડિયા બ્રિજ............... ૦૫........................ ૦૫

એનલએન્ડટી નજીક........ ૧૬........................ ૧૪

એપીએમસી માર્કેટ.......... ૧૩........................ ૦૯

ગોલ્ડન ચોકડી................ ૧૪........................ ૧૦

ધારા પેટ્રોલ પંપ............. ૦૩........................ ૦૩

ડુમાડ ચોકડી.................. ૦૬........................ ૧૦

જીએસએફસી ગેટ........... ૧૨........................ ૦૫

રણોલી ક્રોસીંગ................ ૦૭........................ ૦૪

પદ્મલા ગામ નજીક.......... ૧૪........................ ૧૯

કુલ................................ ૧૮૭..................... ૧૨૪

(7:20 pm IST)