Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વડોદરામાં ખોટા દસ્‍તાવેજ કરીને પ્લોટ વેચી નાખનાર અક્ષય આશર ૭ વર્ષે બેંગ્લોરથી ઝડપાયો

વડોદરાઃ વડોદરામાં ૨૦૧૧માં ખોટા દસ્‍તાવેજ કરીને પ્લોટ વેચી દેનાર શખ્સ ૮ વર્ષે બેંગ્લોરમાંથી ઝડપાયો છે.

વડોદરા શહેરના ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૧માં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરીયાદીની માલીકીનો પ્લોટ અકોટા ગામની સીમમાં આવેલો હોય આ પ્લોટના બનાવટી કુલમુખ્તીયારનામું અક્ષય રણજીત આશર નામના શખ્સે બનાવી ખોટી સહીઓ કરીને પ્લોટ તેના સહ આરોપીઓને ખોટા દસ્તાવેજોના આધારે વેચાણ કર્યો હતો. જેનાં વેચાણ દસ્તાવેજ કરી આપી પ્રોપર્ટી કાર્ડમાંથી પ્લોટ માલિક બહેનનું નામ કમી કરી નાંખ્યું હતું. આ ગુનામા સંડોવાયેલો મુખ્ય આરોપી અક્ષય રણજીત આશર નાસતો ફરતો હતો. જેને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચને જવાબદારી સોંપવામાં આવતાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.જે ચુડાસમાની ટીમે કામગીરી હાથ ધરી હતી.

આરોપીની મુંબઇ તેમજ વડોદરા ખાતે અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવતાં બાતમીદાર તેમજ ટેકનીકલ સોર્સનાં આધારે નાસતો ફરતો આરોપી કર્ણાટકનાં બેંગ્લોર શહેરમાં રહેતો હોવાની વિગતો મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચની એક ટીમને બેંગ્લોર ખાતે મોકલી તપાસ કરતાં આરોપી બેંગ્લોરના બેગુર રોડ વિસ્તારમાં આવેલી ચૌડેશ્વરી લે આઉટ ખાતે ભાડાનાં ફલેટમાં રહેતો હતો. પોલીસે ત્યાં તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. જેને વડોદરા ખાતે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(6:28 pm IST)