Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

હાય રે બેરોજગારી ! હાઇકોર્ટમાં ડ્રાઇવરની ૨૪ ખાલી જગ્‍યા ભરવા માટે ૧૦૩૦૦ ઉમેદવારોએ અરજી કરીઃ પપ ટકા અરજદારો ગ્રેજ્યુએટ અને પોસ્‍ટ ગ્રેજ્યુએટ

અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગારોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્‍યારે હાઇકોર્ટમાં ડ્રાઇવરની ભરતી માટે ગ્રેજ્યુએટ અને પોસ્‍ટ ગ્રેજ્યુએટ અરજદારોએ અરજી કરતા ભારે ચર્ચા જાગી છે.

ગુજરાત રાજ્યની અલગ અલગ કોર્ટ માટે ડ્રાઈવરની 24 ખાલી પોસ્ટની ગુજરાત હાઈકોર્ટની જાહેરાત જોઈને 10,300 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 55 ટકા ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ છે.

આ પોસ્ટ માટે લઘુત્તમ લાયકાત 12 પાસ હતી. આ પોસ્ટ માટે LLB, M.Tech, MBA, MSc અને એન્જિનિયરિંગની ડિગ્રી કરેલા ઉમેદવારોએ પણ ક્લાસ 4 જોબ માટે અરજી કરી હતી, જેમાં માસિક 25000 રુપિયા પગાર આપવામાં આવે છે. હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલીવાર સાત મહિલા ઉમેદવારોએ પણ અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે 19મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટે પોસ્ટ માટે એક જાહેરાત આપી હતી અને સબમિશનની અંતિમ તારીખ 15 માર્ચ હતી. અમારા સહયોગી અમદાવાદ મિરરે પ્રાપ્ત કરેલા ડેટા અનુસાર, 488 ઉમેદવારો MA, 101 ઉમેદવારો MCom, 20 MSc, 34 LLB, 94 ટેક્નિકલ અને સાયન્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ અપ્લાય કર્યુ હતું. 2900 ઉમેદવારો BA ડિગ્રી ધરાવતા હતા, જ્યારે બી.કોમ કરેલા 802 ઉમેદવારો હતા.

કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ એમ્પ્લોયમેન્ટ ડેટા અનુસાર, દેશભરમાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે. વિરોધ પક્ષનો આરોપ છે કે, કુલ 4.95 લાખ બેરજોગારો પૈકી ગુજરાત સરકારે પાછલા બે વર્ષમાં 12689 નોકરીઓ જ પૂરી પાડી છે.

ઉલ્લેખનીય છે કે ડ્રાઈવરની પોસ્ટ માટે જે સાત મહિલાઓએ અરજી કરી છે, તેમણે પણ અન્ય ઉમેદવારો સાથે 29મી એપ્રિલના રોજ એલિમિનેશન રાઉન્ડમાં પરીક્ષા આપી હતી. જો તે સિલેક્ટ થશે તો જૂન મહિનામાં ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પી.આર.પટેલ જણાવે છે કે, હું આ આંકડાઓને નકારી પણ નથી શકતો અને પૃષ્ટિ પણ નથી કરી શકતો, કારણકે આ આંકડા કોન્ફિડેન્શિયલ છે. નામ જાહેર ન કરવાની શરતે હાઈકોર્ટના એક કર્મચારીએ કહ્યું કે, એન્જિનિયર અને MBAનો મહિનાનો પગાર 20,000થી ઓછો મળતો હોય છે, માટે તે આ પોસ્ટ માટે મોટા પ્રમાણમાં અપ્લાય કરે છે.

હાઈકોર્ટના કર્મચારીએ આગળ જણાવ્યું કે, હાઈકોર્ટ સાતમા પગાર પંચના લાભ આપે છે. પટાવાળા અથવા ડ્રાઈવરનો શરુઆતનો પગાર માસિક 25000થી વધારો હોય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટના પ્રેસિડન્ટ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ સરકારે રાજ્યમાં ભણતરનું વેપારીકરણ કરી નાખ્યું છે. વિદ્યાર્થીઓએ ભણવા માટે તગડી ફીસ ભરવી પડે છે, પરંતુ સરકાર તેમના માટે નોકરીની તકો ઉભી કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

(6:22 pm IST)