Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અમદાવાદમાં ગાયો પકડવા ગયેલી પોલીસ પર હુમલો થતા બે કોન્સ્ટેબલને ઇજા

અમદાવાદ:માં ગાયો પકડવા સમયે પોલીસ પર હુમલો થવાના બનાવો વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને માલધારીઓ હુમલા કરતા હોય છે. પરંતુ અસારવામાં ગાયો પકડવા ગયેલી મ્યુનિસિપલ ટીમ અને પોલીસ પર સ્થાનિક લોકોએ પાઇપ અને લાકડીઓથી હુમલો કર્યો હતો, જેમાં એસઆરપીના બે જવાનોને ગંભીર ઇજા થઇ હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસઆરપી પીએસઆઇએ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. કે આજે સવારે ૧૧.૩૦ વાગે મ્યુનિસિપલ કોર્પોેરેશનની ઢોર પકડવાની ટીમ સાથે બંદોબસ્તમાં હતા જ્યાં અસારવા નીલકંઠ મહાદેવ પાસે જાહેર રોડ પર રખડતી ભટકતી ગાયો પકડવાની કામગીરી કરતા હતા આ સમયે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને અહિયાંથી ગાયો કેમ પકડો છો કહીને પોલીસ સાથે તકરાર કરી હતી.

પોલીસે બંદોબસ્ત હેઠળ ગાયો પકડવાની કામગીરી હાથ ધરતાં વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જોત જોતામાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પાઇપ તથા લાકડીઓથી હુમલો કર્યો હતો, જેને લઇને પોલીસે ફરજ બજાવી રહેલા એસઆરપી જવાન વનરાજસિંહ અને સંજયભાઇ નામના કોન્સ્ટેબલને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી.

(5:56 pm IST)