Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વાપીમાં મોર્નિંગ વોક કરતા વૃદ્ધ દંપતીને રિક્ષાએ અડફેટે લેતા પતિનું મોત :ચાલક ફરાર

છરવાડા મુખ્ય માર્ગ ઉપર પૂરઝડપે રિક્ષા હંકારી રોડની સાઇડે ચાલતા દંપતીને જોરદાર ટક્કર મારી

વાપી છરવાડા માર્ગ પર સિધ્ધાર્થ સોસાયટી નજીક મોર્નિંગ વોક કરતા વૃદ્ધ દંપતીને પૂરપાટ ઝડપે ધસી આવેલી રિક્ષાએ ટક્કર મારતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક નજીકના હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ૬૨ વર્ષના વૃદ્ધનું મોત થયું છે. અકસ્માત કર્યા બાદ ચાલક રિક્ષા લઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઉદ્યોગનગર પોલીસે ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજબ વાપી છરવાડા માર્ગ સ્થિત ગોકુલ વિહાર સોસાયટીના સામ્રાજય બિલ્ડિંગમાં રહેતા 62 વર્ષના પક્ષીરાજ રવિશંકર પંડિત તથા તેમની પત્ની દેવીકાબેન (ઉ.વર્ષ.૫૮) સવારે તેમની સોસાયટી નજીક મોર્નિગ વોક માટે નીકળ્યા હતા. છરવાડા મુખ્ય માર્ગ ઉપર સિધ્ધાર્થ કોઓ સોસાયટીની સામે પક્ષીરાજ પંડિત અને તેમની ધર્મ પત્ની દેવીકાબેન ચાલતા ચાલતા જઇ રહ્યા હતા ત્યારે જ પાછળ પૂરઝડપે અને બેફામ ગતિથી ચાલક રિક્ષા હંકારી લાવીને રોડની સાઇડે ચાલી રહેલા આ દંપતીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ચાલક રિક્ષા લઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

 ઇજાગ્રસ્ત દંપતિની સ્થાનિકો હરિયા હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજા પામેલા પક્ષીરાજ પંડિતનું મોત થયું હતું. આ બનાવ અંગે બલીઠા સ્થિત જીઇબી કચેરીની બાજુમાં આવેલા રાજનગરમાં રાજેશ લોકેશ્વર મિશ્રાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જીઆઇડીસી પોલીસે હાલ તો અકસ્માત કરીને ફરાર થયેલા રિક્ષા ચાલકની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

(1:15 pm IST)