Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અમદાવાદમાં દુષ્‍કર્મ બાદ મહિલાની હત્‍યા કરી હતીઃ આરોપી સુરેશ ઉર્ફે સમીર ભૈરવ ઝડપાયો

અમદાવાદઃ અમદાવાદમાં મહિલાની હત્‍યા કરનાર સુરેશ ઉર્ફે સમીર ભૈરવની ધરપકડ કરાઇ છે. મહિલા ઉપર દુષ્‍કર્મ આચર્યા બાદ તેની હત્‍યા થયાનું ખુલ્યું છે.

અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મહીલાની હત્યાએ પોલીસને દોડતી કરી દીધી હતી. પોલીસ પાસે ન હતા સીસીટીવી ફુટેજ કે પછી ન હતી આરોપીઓ સુધી પહોચવા માટેની અન્ય કોઇ કડી. જો કે તપાસ દરમિયાન પોલીસને એક પ્રત્યક્ષદર્શી મળી આવ્યો અને સમગ્ર પડદા પરથી ઉકેલી કાઢ્યો ભેદ, અને આરોપી આવી ગયો પોલીસ સકંજામાં.

પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સનું નામ છે સુરેશ ઉર્ફે સમીર ભૈરવ. માધુપુરા પોલીસે હત્યાના ગુનામાં આ આરોપીની ધરપકડ કરી છે. નરોડાના રહેવાસી સુરેશ ભૈરવ છેલ્લા કેટલાય સમયથી શાહીબાગ વિસ્તારમાં ભટકતું જીવન ગુજારી રહ્યો છે. જો કે તારીખ 1મેના રાત્રીના સમયે શાહીબાગ મહાપ્રજ્ઞ બ્રીજ નીચે સુઇ રહેલી મહીલાના નીશાન બનાવી અને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહીલાએ સુરેશનો પ્રતિકાર કરતા તેને બે લાફા ઝીંકી દીધા. એવામાં ક્રોધે ચઢેલા સુરેશએ બાજુમાં પડેલા પથ્થરથી સંગીના પર હુમલો કર્યો, અને પથ્થર મારીને તેની હત્યા કરી નાંખી. જો કે વહેલી સવારે મહીલાની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાના સમાચાર મળતા જ માધવપુરા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી.

પોલીસએ મહીલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપીને તેના ભાઇની ફરિયાદના આધારે હત્યાનો ગુના દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી. જો કે ઘટનાસ્થળની આસપાસ ક્યાં સીસીટીવી ફુટેજ કે પછી આરોપી સુધી પહોચી શકે તેવી પોલીસ પાસે કોઇ મહત્વની કડી ન હતી. એવામાં તપાસ કરતા કરતાં પોલીસ હરિરામ કહાર નામના વ્યક્તિ પાસે પહોચી. હરિરામ કહારે 1મી મેના દિવસે રાત્રે બનેલી ઘટનાની એક એક પળથી પોલીસને વાકેફ કર્યાં. જો કે આરોપીના ધમકાવવાથી હરિરામ મહીલાને બચાવી શક્યો ન હતો, અને જાણે કે પોતે કંઇ જોયું જ ન હોય તેમ સુઇ ગયો હતો, પરંતુ તેણે ક્ષણિક માટે જે ચહેરો જોયો તેના વર્ણનને આધારે પોલીસએ એક સ્કેચ બનાવ્યો અને હત્યાના બનાવસ્થળની આસપાસમાં સ્કેચ બતાવીને લોકોની પાસેથી માહિતી મેળવવાનું શરૂ કર્યું. જેને આધારે હત્યા સુરેશ ઉર્ફે સમીરએ કર્યું હોવાનું બહાર આવ્યું. જો કે હત્યા કર્યા બાદ સુરેશ રાજસ્થાન ફરાર થઇ ગયો હતો.

હત્યાના પંદરેક દિવસ વીતી ગયા બાદ જાણે કે બધુ થાળે પડી ગયું હશે તેમ વીચારીને સુરેશ અમદાવાદ પરત ફર્યો અને શાહીબાગ શનિદેવના મંદિર પાસે આવતા જ બાતમીના આધારે પોલીસને તેની ધરપકડ કરી છે. આરોપી અગાઉ પણ મહેસાણા અને શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ગુનામાં પકડાઇ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:26 pm IST)