Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

આપણે સૌએ સાથે મળી પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવી છે, વ્યથા નહીં વ્યવસ્થા કરવી છે :લોકો રોજગારી ન ગુમાવે- અર્થવ્યવસ્થા ચાલતી રહે તેમ ‘જાન ભી જહાન ભી ના’ મંત્ર સાથે રણનિતી ઘડાય તે આવશ્યક: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ઓક્સિજન ઉત્પાદન, સિલિન્ડરના રિફિલિંગ અને વિતરણ વધારવામાં GCCIની પણ ભૂમિકા મહત્વની: સરકાર લોજિસ્ટિક સપોર્ટ આપવા તૈયાર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી: મહાજન મંડળોની સ્વૈચ્છિક બંધ અને આંશિક લોકડાઉનની પહેલ આવકારદાયક

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વહીવટી તંત્રને પૂરક બની કોરોનાકાળમાં જનસેવા કરવા સક્ષમ છે. ઓક્સિજન ઉત્પાદન, સિલિન્ડરના રિફિલિંગ અને વિતરણ વધારવામાં પણ GCCIની ભૂમિકા મહત્વની છે અને તે માટે રાજ્ય સરકાર લોજિસ્ટિક સપોર્ટ આપવા તૈયાર છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી.
મુખ્યમંત્રીએ સુચન કરતા કહ્યું કે, GCCI ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાઇ રાજ્યના વરિષ્ઠ અને અનુભવી તબીબને સાથે લઇ ટેલી-મેડિસિન અને ટેલી-કાઉન્સેલિંગની વ્યવસ્થા ઊભી કરે જેથી લોકો માટે ઘરે બેઠા તબીબી સલાહ અને માર્ગદર્શનની એક પુરક વ્યવસ્થા ઊભી કરી શકાય.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અત્યાર સુધીના GCCIના સહકારથી રાજ્ય સરકારનો ઉત્સાહ વધ્યો છે.  આપણે ડરવું નથી પણ લડવું છે અને આ મહામારી સામે ગુજરાતને બચાવવું છે. ગુજરાતના વેપારી મહાજનો વ્યથાને પડકારી વ્યવસ્થા ઊભી કરવાના અભિગમવાળા છે ત્યારે આપણે સૌએ પડકારને બરાબર સમજી તેને પહોંચી વળવા પ્રયત્ન કરતા રહેવાનું છે. રાજ્ય સરકારને હોસ્પિટલમાં દાખલ તથા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓની સારવારની ચિંતા છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે વિવિધ જિલ્લાઓમાં મહાજન મંડળોએ સ્વૈચ્છિક બંધ અને આંશિક લોક્ડાઉનની જે પહેલ કરી છે તે આવકારદાયક છે. લોકો રોજગારી ન ગુમાવે અને અર્થવ્યવસ્થા ચાલતી રહે તે રીતે ‘જાન ભી જહાન ભી ના’ મંત્ર સાથે રણનિતી ઘડાય તે આવશ્યક છે.
મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વિસનગર, સુરેન્દ્રનગર, ભાવનગર,ગાંધીધામ અને પાલનપુરના સહિત ૧૧થી વધુ જિલ્લાના જી.સી.સી.આઇ.ના પ્રમુખ અને હોદ્દેદારોના સૂચનોને સાંભળી તે પર વિચાર-વિમર્શ કર્યા હતા.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સરકારને તમામ નિર્ણયોમાં સાથે રહી સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
બેઠકની શરૂઆતમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં કોરોના સંક્રમણ અને આરોગ્ય માળખાની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત આંકડાકીય વિગતો આપતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની દેશના અન્ય રાજ્યની સાપેક્ષે કોરોના સંક્રમણ સ્થિતિનું તુલનાત્મક વિશ્લેષણ, ગુજરાતમાં કોરોના કેસ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ, હોસ્પિટલમાં બેડની સુવિધા, વેન્ટીલેટર-ઓક્સિજનની ઉપલબ્ધતા, રેમડેસિવિર ઇંજેક્શન, જરૂરી દવાઓ અને વેક્સિનેશનની ટકાવારી, દર્દીઓનો રિકવરી રેટ અને કોરોના નિયંત્રણ માટેનું ભાવી આયોજન સહિતની તમામ માહિતી આપી હતી.  
વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

(7:27 pm IST)