Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વડોદરાના સ્મશાનમાં મુસ્લિમ સ્વંયસેવકોની સેવા સામે ભાજપ નેતાઍ વિરોધ નોધાવ્યો

નવી દિલ્હી: દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં સ્થિતિ એટલી બદતર બની છે કે, કોરોના સંક્રમિતોના મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે 6 થી 8 કલાક રાહ જોવી પડી રહી છે. જો કે આમ છત્તા કેટલાક તત્વો દરેક બાબતને ધાર્મિક ચશ્માથી જોઈ રહ્યા છે. વડોદરામાં ભાજપના નેતાઓએ શહેરના ખાસેવાડી સ્મશાનમાં મુસ્લિમ સ્વયંસેવકોની હાજરી પર વાંધો ઉઠાવ્યો છે.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ગત 16 એપ્રિલે વડોદરા ભાજપના અધ્યક્ષ ડૉ વિજય શાહ અને કેટલાક ભાજપ નેતા પોતાની પાર્ટીના જ નેતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ખાસેવાડી સ્મશાન પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપ નેતાઓએ સ્મશાનમાં એક મુસ્લિમ શખ્સની હાજરીનો વિરોધ કર્યો હતો. તે મુસ્લિમ શખ્સ ત્યાં ગોબર અને લાકડાની મદદ ચિતા તૈયાર કરી રહ્યો હતો. વડોદરા ભાજપના અધ્યક્ષ ડૉ વિજય શાહે કોર્પોરેશનના અધિકારીઓને આદેશ આપતા કહ્યું કે, મુસ્લિમોને સ્મશાનમાં પ્રવેશ કરવાની મંજૂરી ના આપવામાં આવે.

આ સમગ્ર મામલે વડોદરા ભાજપના અધ્યક્ષ ડૉ વિજય શાહે જણાવ્યું કે, અમને જાણ થઈ કે, સ્મશાનમાં લાકડા અને ગોબર સપ્લાય કરનાર એક કોન્ટ્રાક્ટર છે, પરંતુ તેણે સ્મશાનમાં કામ કરવા માટે કોઈ મુસ્લિમ યુવકને કામ પર રાખ્યો છે. જે ખોટું છે.

કોઈ સારા કામ માટે સ્વૈચ્છાથી કામ કરવું એક સારી વાત છે, પરંતુ કોઈ અન્ય ધર્મના સંસ્કારો જાણ્યા વિના તેમાં સામેલ થવું ખોટી બાબત છે. અમે વડોદરા કોર્પોરેશનને કહી દીધુ છે કે, જે વ્યક્તિ લાકડા અને ગોબરના સપ્લાયનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેને સ્મશાનની બહાર જ પહોંચાડવાનું જણાવવામાં આવે.

જો કે ભાજપ નેતા વિજય શાહની આ વાત પર તેમની પાર્ટીના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. વડોદરાના મેયર કેયૂર રોકડિયાએ કહ્યું કે, આ મહામારીના સમયે તમામ ધર્મના લોકો એકજૂટ થઈને સામાજિક સોહાર્દ સાથે કામ કરવું જોઈએ.

વડોદરાથી જ ભાજપના એક નેતાએ વિજય શાહના નિવેદનને વખોડતા જણાવ્યું કે, તેમનું નિવેદન શર્મનાક છે. આ મહામારીના કારણે સમગ્ર શહેરમાં હાહાકાર મચ્યો છે, એવામાં આવું નિવેદન શરમજનક છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ વાતનો પણ આપણે ઈન્કાર ના કરવો જોઈએ કે, ગત વર્ષે પણ વડોદરામાં મુસ્લિમ યુવકોએ જ કોર્પોરેશનના કામમાં સહયોગ કર્યો હતો.

વડોદરામાં કોરોના મહામારીના સમયે આવા અનેક ઉદાહરણ જોવા મળ્યા, જ્યારે મૃતકના પરિવારજને સાથ આપવાનો ઈન્કાર કર્યો, ત્યારે મુસ્લિમ સ્વયં સેવકોએ જ અંતિમ સંસ્કાર કર્યા. ખાસેવાડી સ્મશાનમાં કામ કરનાર એક વ્યક્તિએ આ મુદ્દા પર જણાવ્યું કે, ગત વર્ષે આ મુસ્લિમ બિરાદરો દ્વારા જ લગભગ 1000 શબોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈએ સવાલ નહતો ઉઠાવ્યો, કારણ કે તે સમયે સ્મશાનમાં કોઈ જોવા વાળું જ નહતું. મુસ્લિમ યુવક ઘણાં સમયથી અમારી સાથે મળીને કામ કરી રહ્યાં છે.

બીજી તરફ રવિવારે વડોદરા મેયર કેયુર રોકડિયા, રાજ્યના મંત્રી યોગેશ પટેલ સહિત અનેક અધિકારીઓએ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી અને મહામારી દરમિયાન કોર્પોરેશનના કામમાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો. આ સાથે તેમણે ખાસેવાડી સ્મશાન મુદ્દા પર કહ્યું કે, સ્મશાનમાં ગોબર અને લાકડા સપ્લાય કરનારનો કોન્ટ્રાક્ટ રદ્દ નહીં કરવામાં આવે.

(5:26 pm IST)
  • દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત : આજે કોરોનાના 23686 નવા કેસ અને 240 લોકોના દુઃખદ મોત થયા access_time 11:48 pm IST

  • દેશમાં ભયંકર રીતે ફેલાય રહેલ કોરોના સંક્રમણ : આજે સળંગ ચોથા દિવસે નવા કોરોના કેસ 2 લાખ ઉપર નોંધાયા : છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં 2,71,000 થી વધુ નવા કેસ અને 1570 દુઃખદ મૃત્યુ નોંધાયા : રાત્રે 11 વાગ્યે હજુ બે રાજ્યોના કેસ રિપોર્ટ થવાના બાકી access_time 11:26 pm IST

  • 1 મે થી COVID-19 રસી 18 વર્ષની ઉપરના તમામ લોકો લઈ શકશે : રસી ઉત્પાદકો પૂર્વ ઘોષિત ભાવે ખુલ્લા બજારમાં પણ વેચી શકશે : PIBની વેબસાઇટ પર એક અખબારી યાદી મુજબ, રસી ઉત્પાદકોને તેમની રસી ઉત્પાદન ક્ષમતાનો 50% જથ્થો, રાજ્ય સરકારોને અને ખુલ્લા બજારમાં પૂર્વ ઘોષિત ભાવે મુક્ત રીતે વહેંચવાની સત્તા આપવામાં આવશે. access_time 9:57 pm IST