Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વલસાડની હોસ્‍પિટલમાં મૃતદેહોનો ખડકલો

૩-૩ દિવસથી મૃતદેહો પડયા રહયાઃ દુર્ગધ મારવા લાગ્‍યા

વલસાડ, તા.૧૯: ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડાનો ગ્રાફ સતત એટલો વધી રહ્યો છે કે, હવે મૃતદેહો રાખવા માટે પણ હોસ્‍પિટલોમાં જગ્‍યા નથી. સ્‍મશાનોમા જયાં એક તરફ અંતિમ સંસ્‍કારોની લાઈનો પડી રહી છે, ત્‍યાં હોસ્‍પિટલોમાં લાશોનો ખડકલો જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ફરીએકવાર મોતનો તમાશો જોવા મળ્‍યો છે. વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓ ફરીથી લાશો વચ્‍ચે રહેવા મજબૂર બન્‍યા છે. અહીં ત્રણ ત્રણ દિવસથી હોસ્‍પિટલમાં લાશોનો નિકાલ થયો નથી. જેથી મૃતદેહો સડી રહ્યાં છે.

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં ફરી લાશોનો ખકડલો જોવા મળ્‍યો છે. વલસાડમાં ફરી એક વાર મોતના ખેલનો તમાશો બન્‍યો છે. તંત્ર ફરી એક વાર મોતના આંકડા છુપાવવા ખેલ રમવા માંડ્‍યું છે. વલસાડ જિલ્લાની સિવિલ હોસ્‍પિટલના કોરોના વોર્ડમાંથી એક પછી એક લાશો બહાર નીકળી રહી છે. સિવિલના કોવિડ ૧૯ સેન્‍ટર પરિસરમાં મૃતકોના પરિજનોના કલ્‍પાંતથી મોતનો માતમ પ્રસરી ગયો હતો. તો બીજી તરફ કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીના સ્‍વજનોને પોતાનું આપ્તજન ગુમાવવાનું દુઃખ છે. તેની સાથે જ મૃતદેહનો કબજો ત્રણ-ત્રણ દિવસથી અપાઇ રહ્યો નથી તેવી માહિતી સામે આવી છે. ત્રણ ત્રણ દિવસના મૃતદેહો  ડીકમ્‍પોઝ થતા દુર્ગંધ મારવા માંડ્‍યા છે. ત્રણ ત્રણ દિવસથી સ્‍વજનો પોતાના વ્‍હાલાઓના મૃતદેહ માટે ફાંફા મારી રહ્યા હતા. સિવિલ હોસ્‍પિટલમાંથી મૃતદેહોને સમયસર શવગૃહમાં મોકલવામાં નથી આવી રહ્યાં. જાણવા મળ્‍યુ કે, સિવિલ હોસ્‍પિટલોમાં શવોને રાખવામાં આવતા ગૃહમાં ફ્રીજ ખરાબ થઈ ગયું છે. આ કારણે મૃતદેહોને બેડ પર જ છોડી દેવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ, સ્‍વજનોને પણ મૃતદેહો સોંપવામાં આવ્‍યા નથી. ત્રણ-ત્રણ દિવસથી મૃતદેહો એમ ને એમ જ પડ્‍યા છે. ત્‍યારે હવે કહી શકાય કે, વલસાડની સિવિલ હોસ્‍પિટલ મોતની હોસ્‍પિટલ બની ગઈ છે.

વલસાડ જિલ્લામાં કોરોના વિસ્‍ફોટ થયો છે. જિલ્લામાં આજે નવા ૬૧ કેસ નોંધાયા છે, તો ૫ ના મોત નિપજયા છે. સરકારી ચોપડે ભલે ૫ મોત નોંધાયા હોય, પણ સાચો આંકડો તેના કરતા પણ વધુ છે. દિવસેને દિવસે વલસાડમાં કોરોના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લામાં ૨૦ તારીખથી ૧૦ દિવસનું સ્‍વૈચ્‍છિક લોકડાઉન લગાવાયું છે.       

(11:58 am IST)