Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

૨૦૨૧ સુધી રાજયમાં ITમાં રોકાણ આંકડો બે લાખ કરોડ

સ્થાનિક ઉત્પાદનમાં આઇટીનો હિસ્સો ૭ ટકા : ગુજરાત રાજ્યમાં આઇટી સેક્ટરની વૃદ્ધિ ઊંચો દર ધરાવે છે અને આગળ જતાં એમાં અનેકગણો વધારો થશેઃ રિપોર્ટ

અમદાવાદ, તા.૧૯ : ભારતીય અર્થતંત્રમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ વિકાસશીલ ક્ષેત્ર તરીકે બહાર આવ્યું છે. ભારત સરકારે આઇટી ઉદ્યોગની દેશમાં મુખ્ય ઉદ્યોગોમાંનાં એક ઉદ્યોગ તરીકે ઓળખ કરી છે. નાસ્કોમનાં જણાવ્યા મુજબ, ભારતીય અર્થતંત્રમાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં આઇટી ઉદ્યોગનો હિસ્સો ૭ ટકા છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય ર્સોસિંગ બજાર સતત ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે. જ્યારે વૈશ્વિક આઇટી અને આઇટીઇએસ બજાર (હાર્ડવેર સિવાય) વર્ષ ૨૦૧૬-૧૭માં ૧.૨ ટ્રિલિયન ડોલરને આંબી ગયું છે, ત્યારે ગ્લોબલ ર્સોસિંગ બજાર ૧.૭ ગણું વધીને ૧૭૩થી ૧૭૮ મિલિયનને આંબી ગયું છે. રાજ્યમાં કુલ એસએમઈ અને એમએસએમઈમાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી (આઇસીટી) ક્ષેત્ર નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. અત્યારે રાજ્યમાં ૫,૫૦૦થી વધારે આઇસીટી કંપનીઓ છે, જેમાંથી ૬૦ ટકા એસએમઈ છે, ૩૦ ટકા મધ્યમ કક્ષાનાં એન્ટરપ્રાઇઝ અને ૧૦ ટકા લાર્જ એન્ટરપ્રાઇઝ (મોટા ઉદ્યોગ) છે. અમદાવાદ સ્થિત દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લિમિટેડનાં એમડી અને સીઇઓ તથા ફિક્કી ગુજરાતની આઇટી પેટાસમિતિનાં ચેરમેન શ્રી જૈમિન શાહે જણાવ્યું હતું કે, ભારત સરકારે આઇટી ઉદ્યોગની દેશમાં મુખ્ય ઉદ્યોગોમાંનાં એક ઉદ્યોગ તરીકે ઓળખ કરી છે. છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આઇટી ઉદ્યોગ પરિપક્વ થયો છે અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં મુખ્ય પ્રદાતા તરીકે બહાર આવ્યો છે. સોફ્ટવેર અને સર્વિસીસ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અનેબલ્ડ સર્વિસીસ (આઇટીઇએસ) અને હાર્ડવેર સેગમેન્ટ ધરાવતું આઇટી ક્ષેત્રમાં છેલ્લાં થોડાં વર્ષોમાં આવકમાં સતત વધારા સાથે તબક્કાવાર રીતે વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર છે. જ્યારે ઉદ્યોગસાહસિકતાનાં જુસ્સા, ઉત્પાદન કેન્દ્રને કારણે ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે, ત્યારે સરકારે આઇટીમાં ખર્ચ કર્યો છે અને ઉદ્યોગ તરીકે આઇટીને માન્યતા આપી છે. અત્યારે ગુજરાતમાં આઇટી ક્ષેત્રની વૃદ્ધિ ઊંચો દર ધરાવે છે અને આગળ જતાં એમાં અનેકગણો વધારો થશે, જેથી સ્થાનિક અને પ્રાદેશિક અર્થતંત્રમાં પરિવર્તન થશે. ગ્લોબલ ક્લાયન્ટ્સને ઓન-શોર અને ઓફ-શોર એમ બંને પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં અસરકારક સાબિતી સાથે ગુજરાતમાં આઇટી ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો સંપૂર્ણપણે નવી તકો ઓફર કરશે. નાસ્કોમ (ડોમેસ્ટિક કાઉન્સિલ)નાં ચેરમેન તરીકે સેવા આપતાં જૈમિન શાહે ઉમેર્યું હતું કે, ગુજરાત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), મશીન-ટૂ-મશીન (એમ૨એમ), રોબોટિક્સ અને ઇન્ડસ્ટ્રી ૪.૦ આધારિત ઇકોસિસ્ટમમાં લીડર તરીકે વિશિષ્ટ પોઝિશન ધરાવે છે, કારણ કે દેશમાં રાજ્ય સૌથી મોટી એસએમઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે પરંપરાગત ક્ષમતા ધરાવે છે. ગુજરાતે આઇટીની મુખ્ય ક્ષમતાઓ અને શક્તિઓને બળે નોંધપાત્ર રોકાણ મેળવ્યું છે. આઇટી ક્ષેત્રમાં ગુજરાતને વર્ષ ૨૦૦૫-૦૬માં રૂ. ૭૦૦ કરોડનું રોકાણ મળ્યું છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં વધીને રૂ. ૩૫,૨૦૦ કરોડ થયું છે. આ રીતે દાયકા દરમિયાન રોકાણમાં આશરે ૪૮ ટકાનાં વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે (સીએજીઆર) વધારો થયો છે. એની સરખામણીમાં ભારતનાં બાકીનાં રાજ્યોને આઇટી ક્ષેત્રમાં રોકાણ ફક્ત ૧૭ ટકા વધીને રૂ. ૪૬,૨૮૦ કરોડથી વધીને નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં રૂ. ૨.૨ લાખ કરોડ મળ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) ક્ષેત્રમાં કુલ આઉટસ્ટેન્ડિંગ રોકાણ વધીને રૂ. ૨ લાખ કરોડનાં આંકડાને વટાવી જશે એવી અપેક્ષા છે.

(10:07 pm IST)