Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

યુવકની હત્યા બાદ લાશને વિંઝોલ ફાટક પાસે ફેંકાઈ

પોસ્ટમોર્ટમમાં ઇજાના નિશાન સામે આવતા ગુનો : બે દિવસ પહેલાં વટવા રેલવે સ્ટેશન પાસે આવેલ વિંઝોલ ફાટક નજીક લાશ બિનવારસી હાલતમાં મળી આવી હતી

અમદાવાદ,તા. ૧૯ : દર એકાદ-બે દિવસે હત્યાની ઘટના શહેરના અલગ અલગ વિસ્તારમાં બનતાં પોલીસ માટે ચિંતાનો વિષય બની છે. વાસણા તેમજ ઘાટલોડિયામાં થયેલી હત્યાને હજુ ૪૮ કલાક પૂરા પણ નથી થયા ત્યારે બે દિવસ પહેલાં વટવા રેલવે સ્ટેશન નજીક આવેલ વિંઝોલ ફાટક પાસે બિનવારસી હાલતમાં મળી આવેલી યુવકની લાશનો ભેદ પોસ્ટમોર્ટમ રિપોર્ટે ખોલી દેતાં વધુ એક હત્યા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકના શરીર પર ઇજાનાં નિશાન હોવાનું જણાવાતાં પોલીસે હવે આ સમગ્ર કેસમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વટવા રેલવે સ્ટેશન નજીક આવેલ વિંઝોલ ફાટક પાસેથી બે દિવસ પહેલાં એક યુવકની લાશ મળી આવી હતી. જાહેર રોડ પર યુવકની લાશ મળતાં સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ વટવા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરીને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. યુવકની તપાસ કરતાં તેની ઓળખ થાય તેવો કોઇ પણ પુરાવો પોલીસને મળ્યો નહોતો, જેના કારણે અજાણ્યા યુવકની લાશ મળી આવી હોવાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ફરતા કર્યા હતા. જ્યારે પોલીસે તેમના બાતમીદારોને પણ સક્રિય કર્યા હતા. પોલીસ પાસે યુવકની હત્યા થઇ હોવાનો કોઇ ઠોસ પુરાવો નહીં હોવાથી અકસ્માત મોતની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસને તેમના બાતમીદાર દ્વારા એક માહિતી મળી હતી કે વટવા વિસ્તારમાં આવેલ ટંકાર ફ્લેટમાં રહેતો અને વટવા જીઆઇડીસીમાં નોકરી કરતો એક યુવક તારીખ ૧૬ એપ્રિલથી ગુમ થયો છે. પોલીસે ગુમ થનારના ભાઇ શૈલેન્દ્ર રામનો સંપર્ક કર્યો હતો અને મરનારનો ફોટોગ્રાફ્સ બતાવ્યો હતો. શૈલેન્દ્રએ ફોટો જોતાંની સાથે મરનાર યુવક તેમના મોટાભાઇ સુનીલદત્ત હોવાનું સામે જણાવ્યું હતું. શૈલેન્દ્ર વટવા વિસ્તારમાં આવેલ ટંકાર ફ્લેટમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને છત્રાલની એક કંપનીમાં નોકરી કરે છે. શૈલેન્દ્રના મોટા ભાઇ સુનીલદત્ત તેમની પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે. સુનીલદત્ત વટવા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરે છે. તારીખ ૧૬ એપ્રિલના રોજ સુનીલદત્ત સાબુ લેવા માટે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત આવ્યો નહીં, જેના કારણે પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શૈલેન્દ્ર તેમજ પરિવારજનોએ સુનીલ દત્તના મોબાઇલ ઉપર પણ ફોન કરવાની કોશિશ કરી હતી, જોકે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી તેઓ વધુ ચિંતામાં મુકાતાં તેની વધુ શોધખોળ કરી હતી. સુનિલદત્ત જે જીઆઇડીસીમાં નોકરી કરે છે ત્યાં પણ શોધખોળ કરી હતી, જોકે તે નહીં મળતાં પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ કરી હતી. બીજી તરફ પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલ સુનીલદત્તની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જ્યાં તબીબોએ સુનીલદત્તના શરીર પર ઇજાનાં નિશાન મળી આવ્યાં હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે હવે આ સમગ્ર કેસમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અજાણ્યા શખ્સોએ સુનીલદત્ત પર અગમ્ય કારણસર હુમલો કરીને તેની હત્યા કરી હતી. વટવા પોલીસે સુનીલદત્તની કયા કારણસર હત્યા કરાઇ અને હત્યામાં કોણ કોણ આરોપીઓ સામેલ છે તે સહિતના મુદ્દાઓની સઘન તપાસ શરૂ કરી છે.

(10:03 pm IST)