Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

શાહની ચાણક્ય નીતિના લીધે કોંગ્રેસ ધૂળ ચાટતી થઇ ગઇ છે

કોંગ્રેસની પ્રાંતવાદ, જાતિવાદની નીતિ : જીતુ વાઘાણી : નરેન્દ્ર મોદી તેમજ શાહની જાહેરસભાઓમાં જનજનમાં અદમ્ય ઉર્જા અને ઉત્સાહ દેખાય છે : બોડેલીમાં વાઘાણીનો દાવો

અમદાવાદ,તા.૧૯ : આજરોજ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત બોડેલી ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જાહેરસભામાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધન પૂર્વે સ્વાગત પ્રવચન કરતાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને અમિત શાહના માર્ગદર્શનના કારણે સમગ્ર ભારતમાં પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અમિત શાહની ચાણક્ય નીતિ અને દૂરદર્શીતાના કારણે સમગ્ર દેશભરમાં કોંગ્રેસને ધૂળ ચાટતી કરી દીધી છે. કોંગ્રેસને ૪૦૦ માંથી ૪૦ બેઠકો ઉપર લાવીને નામશેષ કરી દીધી છે. લોકસભાની આ ચૂંટણી બાદ કોંગ્રેસ એક પ્રાદેશીક પક્ષ બની રહેશે, તે બાબત નિશ્ચિત છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વ વંશ પરંપરાગત રીતે સોંપવામાં આવે છે. પહેલાં જવાહરલાલ નહેરૂ બાદમાં ઇન્દિરા ગાંધી ત્યારબાદ રાજીવ ગાંધી, સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી જેવા વારસાઇવાળા લોકો જ કોંગ્રેસનું શિર્ષસ્થ નેતૃત્વ સંભાળે છે. કોંગ્રેસમાં આંતરીક લોકશાહીનો સદંતર અભાવ જોવા મળે છે. જ્યારે માત્ર ભાજપામાં એક સામાન્ય કાર્યકર્તા પણ દેશના વડાપ્રધાનપદ અને રાષ્ટ્રીય અધ્યક્ષપદ જેવા ટોચના સ્થાનો સુધી પહોંચી શકે છે. અમિત શાહ પછી ભાજપામાં કોણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે કોઇ કહી શકતુ નથી જ્યારે કોંગ્રેસમાં તે સ્વયંસ્પષ્ટ હોય છે. કોંગ્રેસની પ્રાંતવાદ, જાતિવાદ અને તૃષ્ટીકરણની નીતિ સામે ભાજપાની રાષ્ટ્રવાદ અને એક ભારત શ્રેષ્ઠ ભારત માટેની આ લડાઇ છે. કોંગ્રેસ હંમેશા જુઠ્ઠાણા ફેલાવીને પ્રજાને ગુમરાહ કરી, વોટબેંકની રાજનીતિ કરતી આવી છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતભરમાં અને દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જાહેર સભાઓ યોજાઇ રહી છે ત્યારે જનજનમાં અદમ્ય ઉર્જા અને ઉત્સાહ જોવા મળે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સભાઓમાં જે રીતે પ્રચંડ જનોત્સાહ જોવા મળે છે, તેનાથી કોંગ્રેસ ખળભળી ગઇ છે. અંતમાં વાઘાણીએ ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું હતુ કે, ભારતની પ્રગતિ-સમૃધ્ધી અને સુરક્ષાને લક્ષ્યમાં લઇને છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવાને વિજયી બનાવી આપણે સૌએ નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે.

 

(8:27 pm IST)