Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

બેંકોમાં સોમવારે કામકાજ ઠપ્પ થઇ જવાની સંભાવનાઃ મોટા ભાગનો સ્ટાફ ચૂંટણી ફરજ પર

અમુક બેંકે તો બહાર બોર્ડ લગાવી દીધા કે સોમવારે કામકાજ બંધ રહેશેઃ ગ્રાહકોએ શનિવારે જ બેકિંગ કામકાજ નીપટાવી લેવું જરૂરીઃ મંગળવારે પણ બેંકો બંધ રહેવાની છેઃ

રાજકોટ તા.૧૯: લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. સરકારી તથા બેંક કામદારોને ફરજ સોંપણી થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં બેંક કામદારોને ચૂંટણી લક્ષી કામગીરી માટે જોતરવામાં આવ્યા હોવાથી સોમવારે અનેક બેંકોના કામકાજને અસર થાય તેવી શકયતા છે.

અમુક બેંકોએ તો સોમવારે બેંક બંધ રહેશે તેવા બોર્ડ પણ બેંકોની બહાર લગાડી દીધા છે.

એક બેંકે બોર્ડ ઉપર લખ્યું છે કે ચૂંટણી અન્વયે આ શાખાના તમામ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોવાથી તા. ૨૨-૪-૨૦૧૯ને સોમવારે બેંકોની કામગીરી બંધ રહેશે ૨૩ને મંગળવારે રજા જાહેર કરાયેલ છે. તા ૨૪-૪-૨૦૧૯ થી બુધવારથી તમામ કામગીરી રાબેતા મુજબ શરૂ થશે જેની તમામ ગ્રાહક મિત્રોએ નોંધ લેવા વિનંતી છે.

બેંકોની મુખ્ય શાખાઓ તથા બ્રાંચોમાં સોમવારે કામકાજ ઠપ્પ થઇ જવાના એંધાણ છે એક બેંક કર્મચારીના કહેવા મુજબ અમારી શાખાના ૧૨ માંથી ૯ કર્મચારી ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા છે. આ સંજોગોમાં કામ કઇ રીતે થઇ શકે?

બેંકોમાં પહેલેથી જ સ્ટાફની અછત છે એવામાં મોટાભાગના સ્ટાફને ચૂંટણી કાર્ય સોંપાતા સોમવારે ભારે મુશ્કેલી થવાની છે.

આ સંજોગોમાં ગ્રાહકે શનિવારે જ બેન્કીંગ કામકાજ નીપટાવી લેવું હિતાવહ છે.

(12:27 pm IST)