Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

દિલ્હીમાં પ્રજાની તિજોરીના ચોકીદાર બનીને રક્ષા કરતા નરેન્દ્રભાઈ મોદી સામે ખાઓ ઔર ખીલાઓ’ની નીતિ ધરાવતી કોંગ્રેસ: વિજયભાઇ રૂપાણી

છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ અને મહામિલાવટી ગેંગની ભ્રષ્ટાચારની દુકાન બંધ થઈ એટલે જ બધા ભેગા મળી મોદી હટાવો.. મોદી હટાવો.. કરી રહ્યા છે :ધાનેરાના પાંથાવાળામાં સભા ગજવતાં મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા લોકસભાની ધાનેરા વિધાનસભા વિસ્તારમાં આવતા પાંથાવાળા ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણીનો મુખ્ય મુદ્દો એક જ છે કે દેશ કોના હાથમાં સલામત છે, દેશની સુરક્ષા કરવા કોણ સક્ષમ, દેશને ઉજ્જવળ ભવિષ્ય કોણ આપશે ? એક તરફ નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને નિર્ણાયક નેતૃત્વમાં મજબૂત સરકાર છે તો બીજી તરફ મહામિલાવટના નામે ભેગી થયેલી ચોરોની જમાત છે. એક તરફ દિલ્હીમાં પ્રજાની તિજોરીના ચોકીદાર બનીને ‘‘ખાતો નથી ને ખાવા દેતો નથી’’ના સિદ્ધાંત સાથે રક્ષા કરતા નરેન્દ્રભાઈ મોદી છે તો બીજી તરફ ‘‘ખાઓ ઔર ખીલાઓ’’ની નીતિ ધરાવતી કોંગ્રેસ છે.

    રૂપાણીએ જણાવ્યું હતું કે, મમતા બેનરજીએ આજે બંગાળમાં ઘરના છોકરા ઘંટી ચાટે જેવી સ્થિતિ ઉભી કરી છે. રાજ્યના નાગરિકોને હક અને અધિકારો આપવાની જગ્યાએ મમતા દીદી બાંગ્લાદેશમાંથી મુસલમાનોને ઘૂસણખોરી કરાવીને તાજામાજા કરે છે. બાંગલાદેશમાંથી મુસ્લિમ કલાકારોને પ્રચાર માટે બોલાવે છે. મમતાના રાજમાં બંગાળ કંગાળ થઈ ગયું છે અને રાજ્યની જનતા ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર છે.

     મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે  ૧૦ વર્ષની મનમોહનસિંહની સરકારમાં કોંગ્રેસે કૌભાંડોની હારમાળા સર્જીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ડૂબાડવાનું કુકર્મ કર્યું હતું. કોંગ્રેસના કૌભાંડોની તો આખી એબીસીડી બને તેમ છે. કોંગ્રેસના રાજમાં દલાલો અને વચેટિયાઓએ માજા મૂકીને દેશને લૂંટયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ અને મહામિલાવટી ગેંગની ભ્રષ્ટાચારની દુકાન બંધ થઈ ગઈ છે એટલે જ બધા ભેગા મળી મોદી હટાવો.. મોદી હટાવો.. કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશ, ‘‘ઇન્ડીયા ફર્સ્ટ’’ જેવા સિદ્ધાંતો સાથે કાર્ય કરે છે જ્યારે કોંગ્રેસ માટે એક પરિવારનું હીત જ સર્વસ્વ છે. આજે ચ્હા વેચનાર વ્યક્તિ દેશનો પ્રધાનમંત્રી છે તે કોંગ્રેસ પચાવી શકતી નથી.

    કોંગ્રેસે મુસલમાનોનો ઉપયોગ હંમેશા મતના મશીન તરીકે જ કર્યો છે. વોટબેન્ક માટે મુસ્લિમોનું તુષ્ટિકરણ કરીને કોંગ્રેસ વર્ષોસુધી મુસ્લિમોના મત મેળવતી રહી, પરંતુ મુસલમાનોના સાચા અર્થમાં વિકાસ માટે કોંગ્રેસે કાંઇ જ ન કર્યું. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સર્વધર્મસમભાવની ભાવના સાથે દેશમાં વસતા તમામ જાતિ-ધર્મ-સમાજના લોકોને વિકાસમાં સમાન ભાગીદારી આપીને સૌના સાથ સૌના વિકાસના સૂત્ર સાથે દેશના નાગરિકોનું જીવનસ્તર ઉંચુ કરવા માટે કટિબદ્ધ છે.

    શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારની કામગીરી દેશના નબળા અને ગરીબ વર્ગ માટે સમર્પિત રહી છે. ગરીબોના ઉત્થાન માટે અને તેમને પાયાની સવલતો મળી રહે તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ કાર્યરત કરી છે અને તેનો લાભ દેશના કરોડો ગરીબોને થયો છે.

     માછલી જેમ પાણી વગર તરફડે તે જ રીતે આજે કોંગ્રેસ આજે સત્તા વગર તરફડી રહી છે અને સત્તા મેળવવા માટે ફક્ત ચૂંટણી ટાણે જ ગરીબો ને ખેડૂતોને લાલચ આપીને, ફોસલાવી મત લેવા માટે નીકળી છે, પરંતુ દેશનો ગરીબ કોંગ્રેસને ઓળખી ચૂક્યો છે અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સાફ કરી દેવાનો છે.

   ભાજપની સરકારે બનાસકાંઠાનો વિકાસ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે અને અનેકવિધ યોજનાઓનો લાભ બનાસવાસીઓને આપ્યો છે. સંકટના સમયે ભાજપાની સરકાર ખભેથી ખભો મિલાવી બનાસકાંઠાના પડખે ઉભી છે, બનાસકાંઠામાં ડેરી ઉદ્યોગનો ઝડપથી વિકાસ થાય માતાઓ-બહેનો દૂધમંડળીઓ બનાવીને આર્થિક ઉપાર્જન કરતી થાય તેની ચિંતા ભાજપાની સરકારે કરી છે.

     કોંગ્રેસ ચૂંટણી પૂર્ણ થતાં પહેલાં જ હાર ભાળી ચૂકી છે એટલે જ કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ ચૂંટણીમાં નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી રહ્યા છે, આ દેશના ઈમાનદાર કર્મચારીઓનું હળહળતું અપમાન છે. 

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત માતાને દુર્ગા જેવી શક્તિશાળી, અન્નપૂર્ણા જેવી ધનધાન્યવાન, લક્ષ્મી જેવી સમૃદ્ધ, માં સરસ્વતીની જેમ જ્ઞાનકુંજનો ભંડાર બનાવવા માટે ૨૩મી તારીખે ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને કમળના નિશાન પર બટન દબાવી વિજયી બનાવવા માટે ઉપસ્થિત હજારોની જનમેદનીને હાકલ કરી હતી.

  શ્રી રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૩ એપ્રિલે ગુજરાતની જનતા ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પરથી કોંગ્રેસ ને વીણીને સાફ કરી દેશે.

   આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, જીલ્લા પ્રમુખ/મહામંત્રીઓ, સ્થાનિક આગેવાનો તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

     આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજ, દરબાર સમાજ અને રબારી સમાજના આગેવાનો તેમના સમર્થકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને વિચારધારાથી પ્રભાવિત થઇને ભાજપામાં જોડાયા હતા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાજપાનો ખેસ પહેરાવી તેઓ સર્વેને ભાજપામાં આવકાર્યા હતા.

(12:05 am IST)