Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતના ખેલાડી હરમીત દેસાઈ સરકારી કેશ એવોર્ડ પોલિસીથી નારાજ

ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ખેલાડીઓને ઓછી રકમ આપવામાં આવે છે :મુખ્યમંત્રીને રજૂઆત કરી

 

ગાંધીનગરઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ વિજય રૂપાણીની મુલાકાત લઈને ખેલાડીઓને અપાતા કેશ એવોર્ડ પોલિસીને લઈને રજૂઆત જણાવ્યું કે ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ખેલાડીઓને ઓછી રકમ આપવામાં આવે છે

  ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં સંપન્ન થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હરમીત દેસાઈ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો છે. ત્યારે રાજ્ય સરકારે રાજ્યના વધુમાં વધુ ખેલાડીઓ સ્પોર્ટસ એક્ટિવિટીમાં ભાગ લે અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે હરમીતનું સન્માન કરવાની જરૂર હતી. રાજ્ય સરકારે માત્ર 33 લાખ રૂપિયા આપીને હરમીતનું સન્માન કર્યું હતું. ઘટનાને લઈને હરમીત દેસાઈ રાજ્ય સરકાર પર ખૂબ નારાજ થયો હતો અને હરમીતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી

  રાજ્ય સરકારની એક સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત નામની એક વેબસાઇટ છે. વેબસાઇટની અંદર રાજ્યના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે જે નીતિ બનાવી હતી તે નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2014માં એક ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવ મુજબ કોમનવેલ્થ ગેમ્સમાં જે ખેલાડી ગોલ્ડ મેડલ જીતીને આવે તેને 1 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે, પરંતુ આજે હરમીતનું સન્માન કરવામાં આવ્યું તો રાજ્ય સરકાર પોતાની નીતિ ભૂલી ગઈ હતી અને માત્ર 33 લાખ રૂપિયા આપ્યા હતા. ઘટના બાદ કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને રાજ્ય સરકારની ટિક્કા કરી હતી.

(11:33 pm IST)