Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સંબંધોમાં મીઠાશ લાવવા માટે ઓકિસજન જરૂરી છેઃ ચિન્મય

ઓકિસજનના સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતેઃ ઓકિસજન-સંબંધોનો સુપરહીરો ગુજરાતી ફિલ્મનું ટ્રેલર-મ્યુઝિક અમદાવાદમાં લોન્ચ : ૧૧મી મેએ ફિલ્મ રિલીઝ

અમદાવાદ,તા.૧૯: આધુનિકતા, ભૌતિકતાવાદ અને પૈસા પાછળની દોડમાં માણસ આજે જયારે સંબંધોની મહત્તા અને મૂલ્યો ભૂલતો જાય છે ત્યારે તેના કારણે આજના સમયમાં સંબંધોમાં શૂન્યાવકાશ સર્જાયો છે એટલે કે, સંબંધોની આત્મીયતા કે મીઠાશ, વિશ્વસનીયતા ખોવાઇ ગઇ છે. જાણે આપણે પરાણે સાથ કે સંબંધ નિભાવી રહ્યા હોઇએ. સમાધાન કરીને પોતે જ પોતાના ગાલ પર થપ્પડ મારીના ગાલ લાલ રાખીએ છીએ. હજારોની ભીડમાં પણ જાણે આજે સંબંધોની મીઠાશ વિના આપણે એકલા છીએ અને તેના પરિણામે જ મનને મળતો ઓકિસજન ઓછો થઇ ગયો છે. સંબંધો પણ લાગે છે કે ઓકિસજન ખલાસ થઇ ગયો છે અને તેથી વાસ્તવિકતા એ છે કે, આપણે સૌ સંબંધોના ઓકિસજન પર જ ટકી રહ્યા છીએ એમ અત્રે આગામી ગુજરાતી ફિલ્મ ઓકિસજનના દિગ્દર્શક ચિન્મય પુરોહિત સહિત ફિલ્મની સ્ટારકાસ્ટે જણાવ્યું હતું. ખૂબ જ તલસ્પર્શી સામાજિક સંદેશો આપતી ગુજરાતી ફિલ્મ ઓકિસજન-સંબંધોનો સુપરહીરો ગુજરાતી ફિલ્મનું ટ્રેલર-મ્યુઝિક આજે અમદાવાદમાં લોન્ચ કરાયું હતુ, જેને લઇ ફિલ્મના હીરો અંશુલ ત્રિવેદી, હીરોઇન વ્યોમા નંદી સહિતની સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતે આવી હતી. સંબંધોના સુપરહીરોની સુંદર ગુજરાતી ફિલ્મ ઓકિસજન સંપૂર્ણ પારિવારિક, મનોરંજક અને સમાજિક સંદેશો રજૂ કરતી ફિલ્મ છે, જે તા.૧૧મી મેના રોજ ગુજરાત સહિત મુંબઇ અને પૂણેના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ફિલ્મના ટ્રેલર અને મ્યુઝિક લોન્ચીંગ પ્રસંગે જાણીતા દિગ્દર્શક ચિન્મય પુરોહિતે જણાવ્યું હતું કે, ૨૦૦૫થી એક એવા વિષયની શોધમાં હતો કે જેની પર હું ગુજરાતી ફિલ્મ બનાવી શકું અને આટલા વર્ષોના મનોમંથન બાદ આખરે સંબંધો માટે જરૂરી એવા ઓકિસજનને લઇ ફિલ્મ બનાવવાની મને પ્રેરણા મળી રહી.

આ ફિલ્મ તમને સંબંધોની એક નવી જ દુનિયામાં લઇ જશે, જે જોઇને દરેક વ્યકિતને એવો એહસાસ થશે કે, તેનું પોતાનું જીવન અથવા તો પાત્ર ફિલ્મમાં આલેખાયું છે. ફિલ્મ જોઇ દરેકને સંબંધોની મીઠાશ અને મહત્તા સમજાશે. અમે આ ફિલ્મના પ્રિમીયર માટે વૃધ્ધાશ્રમના વૃધ્ધોને તથા પરિવારથી જુદા રહેતા અથવા તો અલગ થયેલા સભ્યોને એક મંચ પર લાવી ફિલ્મ બતાવવાનો પ્રયાસ કરાશે કે જેનાથી ફરીથી તેઓની વચ્ચેના સંબંધો તાજા અને માધુર્યપૂર્ણ થાય. ઓકિસજન ફિલ્મનું સુમધુર સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. ફિલ્મમાં બે જૂના ગુજરાતી કર્ણપ્રિય ગીતોને નવી પેઢીને ગમે તેવી શૈલીમાં રજૂ કરાયા છે. ઓકિસજન-સંબંધોની નવી દુનિયામાં ૫૫થી વધુ રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મોના કલાકારો તેમ જ મુંબઇના જાણીતા અનુભવી કસબીઓએ ફિલ્મમાં તેમના અભિનયના ઓજસ પાથર્યા છે. આ ફિલ્મમાં હીરો અંશુલ ત્રિવેદી, હીરોઇન તરીકે વ્યોમા નંદી ઉપરાંત, જાણીતા કલાકારો અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા, અન્નપૂર્ણા શુકલ, પંકજ પાઠક, ધ્વનિ ત્રિવેદી, શૌનક વ્યાસ, કમલ જોશી, દેવાંગી જોશી, સુભાષ બ્રહ્મભટ્ટ ઉપરાંત હિન્દી-મરાઠી પડદાના દિગ્ગજ કલાકારો રોહિણી હટંગડી અને પ્રતિક્ષા લોણકર પણ હૃદયસ્પર્શી અભિનયમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, દુનિયાની કોઇપણ ભાષામાં ન બનેલી હોય તેવી અદ્ભુત અને મજાની વાત એટલે કે, સંબંધોની નવી દુનિયા ગુજરાતી ફિલ્મ ઓકિસજનમાં રજૂ કરવામાં આવી છે. જે દર્શકોને ખૂબ જ પસંદ આવશે.

(9:56 pm IST)