Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ખેડામાં ઉલ્ટી ગંગાઃ પત્નીઅે જુદા રહેવાની જીદ્દ કરીને માનસિક ત્રાસ આપતા પતિનો આપઘાત

ખેડા : ખેડા જીલ્લાના એક NRI યુવકે પોતાની પર અને પરિવાર પર પત્ની દ્વારા લગાવેલ આરોપના ત્રાસથી કંટાળી આજે યુવકે પોતાનું જીવન ટુંકાવી દીધુ છે.

વિગતવાર ઘટના જોઈએ તો, ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના આંતરસુબા ગામના રહેવાસી શૈલેષ પટેલ નામનો યુવક લંડન રહેતો હતો, તેને ફેસબુક ચેટિંગ દરમ્યાન બાપુનગરમાં રહેતી ભૂમિકા જોશી નામની યુવતી સાતે ફ્રેંન્ડશીપ થઈ, ત્યારબાદ ફેસબુકમાં ચેટિંગ કરતા-કરતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. એનઆરઆઈ યુવકે ત્યારબાદ ફેસબુક પ્રેમિકા ભૂમિકા સાથે 2016માં માદરે વતન આવી લગ્ન કર્યા.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લગ્ન થયાના થોડા દિવસમાં જ યુવતીએ જુદા રહેવાની જીદ શરૂ કરી, યુવકે તેની જીદને લઈ અલગ રહેવાનું પણ શરૂ કર્યું. પરંતુ યુવતીને હવે આ પરિવાર સાથે રહેવું ન હતું, આખરે એક દિવસ બંને વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ. ત્યારબાદ યુવતીએ યુવક વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં યુવક વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપે છે તેવી ફરિયાદ કરી દીધી.

યુવક પોતાની પત્નીને ખુબ પ્રેમ કરતો હતો, પરંતુ તેના આવા વર્તન અને કાયદાનો ઉપયોગ કરી યુવકને વારંવાર માનસિક હેરાનગતી થવા લાગી, આખરે યુવકે માનસિક ત્રાસમાંથી મુક્તિ મેળવા માટે આત્મહત્યા કરવાનું વિચારી આજે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી સળગીને આપઘાત કરી લીધો છે. મહત્વની વાત એ છે કે, આજે યુવકનો જન્મ દિવસ હતો, પરિવારના લોકો જન્મ દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા, તે જ સમયે ઘરના જવાનજોધ દિકરાએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આપઘાતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને હાલમાં આપઘાતની કલમ ઉમેરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:56 pm IST)