Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દુષ્‍કર્મ આચરનાર આરોપીઓ માફીને લાયક નથીઃ આવા શખ્સોને ફાંસીની સજા થાય તે માટે મહેસાણામાં મૌન રેલી સાથે આક્રોશ

મહેસાણાઃ દુષ્‍કર્મ આચરનાર આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે મહેસાણામાં મૌન રેલી સાથે આક્રોશ વ્‍યક્ત કરાયો હતો.

આ મૌન રેલીનું આયોજન વિસનગર રોડ ખાતે ડિસન્ટ હોટેલથી મૌન રેલીનું આયોજન કરાયું હતું. ઉન્નાવ અને સુરતની માસુમ દીકરીઓને ન્યાય અપાવવા જીલ્લા કલેક્ટરશ્રીને આવેદન દ્વારા ન્યાય અને વળતર માટેની માંગણીઓ રજૂ કરાઈ હતી.  આ રેલીમાં સમસ્ત મુસ્લિમ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ, ઠાકોર અને ક્ષત્રિય સમાજ તેમજ દલિત (એસસી એસટી સમાજ), શિખ સમૂદાયના સાથીઓ તેમજ ઈસાઈ (ખ્રિસ્તી) સમાજની સાથે સ્થાનીક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઉન્નાવમાં એક સગીરા પર ભાજપના શક્તિશાળી ગણાતા ધારાસભ્ય કુલદીપ સેંગર દ્વારા બળાત્કારનો આરોપ છે. ગયા વર્ષે બનેલી આ ઘટનામાં ફરિયાદ ત્યારે લેવાઈ જ્યારે પીડિતાએ મુખ્યમંત્રીના ઘર સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

કઠુઆમાં માનવતાને પણ શરમાવે તેવી ઘટના બની હતી. અહીં બકરવાલ સમાજનીની આઠ વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. પોલીસે કોર્ટમાં જણાવ્યા પ્રમાણે આઠ વર્ષની બાળકી પર 6 લોકોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના 10 જાન્યુઆરીની છે પણ હવે પ્રકાશમાં આવી છે. 

જમ્મુના કઠુઆમાં ૮ વર્ષની બાળકી પર ક્રૂરતાથી કરાયેલા ગેંગરેપના પડઘા સંયુક્ત રાષ્ટ્ર સુધી પડયાં છે. આ કેસના કારણે ભારતની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું નુકસાન થયું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગટરેસે કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપને ભયાનક ઘટના ગણાવતા અપરાધીઓને ન્યાયના કઠેડામાં લાવવા ભારત સરકારને અપીલ કરી છે.

નોંધનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડન મુલાકાત વખતે દેશમાં બળાત્કારની બની રહેલી ઘટના અંગે કહ્યું હતું કે બાળકીઓ પર બળાત્કાર થાય છે તે પીડાદાયક હોય છે, તેને કઈ રીતે સાંખી લેવાય. પરંતુ આ મુદ્દે રાજકીય ઢોળ ચઢાવવો એ અયોગ્ય છે. મોદીએ કહ્યું કે બળાત્કાર એ બળાત્કાર છે. તેને કઈ રીતે સાંખી લઈએ. કોઈપણ સંજોગોમાં તે સાંખી ન શકાય. પરંતુ આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. આ સરકારમાં આટલા બળાત્કાર થયા તેવું પણ ન કહેવું જોઈએ. 

(7:04 pm IST)