Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

બે વર્ષ પહેલા મહેસાણાંમાં યુવતી પર એસિડ એટેકના આરોપીને કોર્ટે કારાવાસની સજા ફટકારી

મહેસાણાની નાગલપુર કોલેજ ગેટ પાસે બે વર્ષ પૂર્વે  આરોપીએ જ્વલનશીલ પ્રવાહી સગીરા પર ફેંકી ઇજાગ્રસત કરી હતી આ ચકચારી કેસના પડધા સમગ્ર રાજયમાં પડયા હતા.આ ધૃ્રણાસ્પદ ઘટનામાં આજે મહેસાણા કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા કરી હતી અને એક લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો તથા આ દંડની રકમ ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. જ્યારે એક આરોપીને શંકાનો લાભ આપીને નિદોષ જાહેર કર્યો હતો. મહેસાણાના રામોસણા ખાતે રહેતી સગીરા અને વડનગરના શેખપુર (વડ)ના હાર્દિક રાજેન્દ્રભાઈ પ્રજાપતિ એક જ સમાજ તથા સગા થતા હોઈ આરોપી હાર્દિક પ્રજાપતિએ ઘટનાના એક વર્ષથી સગીરાને પ્રેમ સંબંધ બાંધવા પ્રયાસ કરતો હતો. જોકે સગીરાએ તેનો ઈન્કાર કરતા આરોપી હાર્દિક પ્રજાપતિએ ૧ ફેબુ્રઆરી ૨૦૧૬ના રોજ સગીરા નાગલપુર કોલેજ પાસે તેણીની બહેનપણી સાથે ટયુશન જઈ રહી હતી ત્યારે આરોપીએ બાઈક પર આવી તેની પાસેથી જ્વલનશીલ પ્રવાહી વાળી બોટલ સગીરા પર છાંટી હતી. જેથી આ હૂમલામાં સગીરાના મોંઢા તેમજ હાથ અને શરીરે ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જ્યારે સગીરાની સાથે તેની મિત્ર પણ હાથના કાંડાના ભાગે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી બન્નેને સારવાર અર્થે ખસેડાઈ હતી. આ ઘટનામાં ચોમેરથી આરોપી સામે ફિટકાર વરસ્યો હતો. આ અંગે સગીરાએ હાર્દિક પ્રજાપતિ અને અન્ય એક યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મહેસાણા સેસન્સ કોર્ટમાં પ્રથમ સરકારી નિર્મળભાઈ શાહે દલીલો કરી હતી. જોકે તેઓ વિદેશ ગયા હોવાથી સરકારી વકીલ સંજયભાઈ આર.પટેલે ધારદાર દલીલો કરતા મુખ્ય સેસન્સ જજ ડી.એ.જોષીએ સરકારી વકીલની દલીલો તેમજ પુરાવા આધારે આ કેસના બે આરોપી પૈકી એકને શંકાના આધારે મુક્ત કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિને તકસીરવાન ઠરાવી આજીવન કેદ તેમજ રૃ.૧ લાખ દંડની સજા તથા દંડની રકમ ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો

(4:43 pm IST)