Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સેલવાસના ખાનવેલ ગામે કુમામાંથી યુવાનની હાથ-પગ બાંધેલ લાશ મળતા ચકચાર

સેલવાસ: ખાનવેલ ગામે ડુંગરીપાડામાં લોકોને પુરૃ પાડવામાં આવતા કૂવામાંથી યુવાનની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. યુવાનના બંને હાથપગ બાંધી તેના પર હુમલો કર્યા બાદ ઢીમ ઢાળી પુરાવાનો નાશ કરવા લાશ કૂવામાં ત્યજી દીધી હતી. મૃતક યુવાન ત્રણ દિવસ અગાઉ ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. પાણી પુરવઠા વિભાગના ઓપરેટરને આ બાબતે ધ્યાન ગયું ન હતું. લોકોએ ઓપરેટરની બદલી કરવા માંગ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સેલવાસના ખાનવેલ ગામે ડુંગરીપાડામાં ગામલોકોને પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવતા કૂવામાંથી ગઈકાલે ગામમાં જ રહેતા રાણા મોહન ગંગા (ઉ.વ.૧૯)ના બંને હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ગામલોકો સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં યુવાનની લાશ કૂવામાંથી બહાર કાઢયા બાદ પરિવારજનોએ લાશની ઓળખ કરી હતી. યુવાનની હત્યા કર્યા બાદ હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા લાશને કૂવામાં ફેંકી દીધી હોવાના અનુમાન સાથે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન ત્રણ દિવસ અગાઉ ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. જો કે તેની હત્યા કોણે અને કયા કારણોસર કરાઈ તે અંગે રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. બીજી તરફ પાણી પુરવઠા વિભાગના ઓપરેટરનું કૂવામાં ત્રણ દિવસ સુધી લાશ હોવા છતાં ધ્યાન નહીં જતાં લોકોમાં ભારે આક્રોશ ઉઠયો છે. લોકોએ ઓપરેટરને હટાવી દેવા માંગ કરી છે

(4:42 pm IST)