Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વડોદરાની ડાયમંડ પાવર કંપનીના ભટનાગર પિતા-પુત્રો ર૬પ૪ કરોડના લોન કૌભાંડમાં ૯ દિવસના રિમાન્ડ પર

હોટલનો રૂમ ખોલતા જ ભટનાગર બંધુને પોલીસ નજરે પડતા જ હોંશ ઉડી ગયાઃ લોન કૌભાંડમાં ભારે ટીકા બાદ સીબીઆઇ અને ગુજરાત પોલીસને ભટનાગર બંધુને ઝડપી લેવામાં મળી સફળતાઃ તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૯: સમગ્ર ગુજરાત રાજયમાં ભારે ચર્ચાસ્પદ બનેલા વડોદરાના ડાયમંડ પાવર કંપનીના સંચાલકો દ્વારા રૂ.ર૬પ૪ કરોડના બેંક લોન કૌભાંડમાં આખરે પોલીસે પિતા અને તેના બે પુત્રોને ઝડપી પાડી ૯ દિવસના રીમાન્ડ ઉપર લીધા છે. વડોદરાની ડાયમંડ પાવર કંપનીના કરોડોના લોન કૌભાંડમાં સીબીઆઇએ ગઇકાલે કંપનીના સંચાલકો સુરેશ  ભટનાગર અને તેમના બે પુત્રો અમિત ભટનાગર અને સુમીત ભટનાગરને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે સીબીઆઇ જજ શ્રી એન.જે.દવેની કોર્ટમાં રજુ કરતા ૯ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

બેંક કૌભાંડમાં સંડોવાયેલા ભટનાગર પિતા-પુત્રોને ઝડપી લેવા સીબીઆઇએ તાજેતરમાં ગુજરાત એટીએસની મદદ માંગી હતી. ભટનાગર બંધુઓ ઉદેપુર, રાજસ્થાનમાં છુપાયેલા અને તેના મિત્રોના સંપર્કમાં હોવાની માહીતી એટીએસને મળતા પોલીસે ઉદેપુરની પારસ વિલાસ પેલેસ હોટલમાં ચોક્કસ માહીતીને આધારે સર્ચ કરેલ. ઉદેપુરની હોટલમાં સુમીત ભટનાગરના નામે રૂમ બુક કરાવેલ. એટીએસે આ રૂમ મેનેજમેન્ટને ઓળખ આપી ખોલાવ્યો હતો અને એટીએસ પોલીસ રૂમની અંદર છુપાઇ ગઇ હતી. થોડી વાર બાદ રૂમમાં પહોંચેલા આરોપીઓ ગુજરાત પોલીસને જોતા જ હોંશ ઉડી ગયા હતા. પોલીસે વોરન્ટ પેપર બતાવી અમદાવાદ આવવા કહયું હતું. રાત્રે જ ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

સીબીઆઇએ કરેલી રજૂઆત મુજબ આરોપીઓએ ૨૦૧૨મા રૂ.૨૮૫ કરોડથી વધારીને રૂ.૪૮૦ કરોડની ક્રેડિટ ફેસિલિટી મેળવવા માટે ૨૦૧૧ ના વર્ષમાં તેઓએ રૂ.૨૧૯૭ કરોડનું બનાવટી ટર્ન ઓવર દર્શાવ્યું હતું. તેઓએ હાયર નેટ વર્કિંગ કેપિટલ દર્શાવવા માટે લીડ બેંકને ખોટા સ્ટોક સ્ટેટમેન્ટસ આપ્યા હતા. ગુ્રપ કંપનીઝમાં જાહેર સેવકોના મેળાપીપણામાં સીસી લિમિટ બહાર રૂ.૩૨.૯૬ કરોડની વ્યાજ મૂકત લોન મંજૂર કરાવવા રૂ.૧૬.૭૦ કરોડનું ફંડ ડાયવર્ઝન કર્યો હતા.કોન્સર્ટિયમ બેંકોને દેવું ચૂકવી શકાય તેમ હોવા છતા છેતરવા માટે નોન-કોન્સર્ટિયમ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા અને રૂ.૭૦ કરોડ ડાયવર્ટ કર્યા હતા. રૂ.૫૦૦ કરોડના ખોટા પરચેઝ ઇન્વોઇસ બનાવીને રૂ.૧૦૦.૮૦ કરોડની ખોટી ક્રેડિટ મેળવી હતી. આ સંજોગોમાં ૧૪ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવા માટે તપાસ અધિકારી ડીવાય.એસપીએ  કોર્ટને વિનંતી કરી હતી. આ રિમાન્ડ અરજી સામે આરોપીઓ વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સુરેશ ભટનાગર ૮૦ વર્ષના છે અને ડાયરેકટર નથી. ૧૯૭૦ થી તેઓ ધંધો કરે છે. કંપનીમાં અઢી હજાર કર્મચારીઓ છે અને ૧૦ શાખાઓ તથા ૬૫ ડિસ્ટ્રીબ્યુટરો છે. સીબીઆઇએ ખોટી રીતે હેરાન કરવાના આશયથી ધંધાકીય હરીફાઇમાં અદાવતમાંથી ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે. ૨૦૦૮ સુધી કંપની ડિફોલ્ટરની યાદીમાં નથી. ચેતવણીની યાદીમાં પણ કંપનીનું નામ નથી. આ સંજોગોમાં રિમાન્ડ ન આપવા જોઇએ. કોર્ટે બન્ને પક્ષોની રજૂઆતો સાંભળીને ૨૭મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. (૪.૮)

(4:05 pm IST)