Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પોતાના કામ માટે લોકોએ એક પૈસો પણ ન આપવો પડે તેવો પારદર્શી વહિવટ કરોઃ કલેકટરો-ડીડીઓને શીખ

રાજયભરના કલેકટરો-ડીડીઓની કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ટકોરઃ મીટીંગમાં સન્નાટો.... : લોકોના કામોમાં ઇરાદાપૂર્વક થયેલી ભૂલ-ખોટુ કામ નહિ ચલાવાયઃ ૧લી મેથી જળ સંચય અભિયાન

ગાંધીનગર તા. ૧૯ :.. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ) ને પ્રજાહીતના કાર્યોમાં ઝડપી નિર્ણય લેવાની શીખ આપવા સાથે પ્રજાના કામોમાં ઇરાદાપૂર્વકની ભૂલ (માલાફાઇડ ઇન્ટેનશન) કે ખોટું કામ કયારેય ચલાવી લેવાશે નહીં તેવી ટકોર કરી હતી.

મુખ્યમંત્રી ગાંધીનગરમાં રાજયના તમામ જિલ્લા કલેકટરો-જિ. વિકાસ અધિકારીઓ તથા મ્યુનિ. કોર્પોરેશનના કમિશ્નરોની સંયુકત પરિષદને સંબોધતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જનહિત કામોમાં બોનાફાઇડ ઇન્ટેનશનથી કોઇ ક્ષતિ કે ભુલ થઇ હશે તો સરકાર તેમની પડખે રહેશે પરંતુ ઇરાદાપૂર્વક કરેલી ભૂલ કે ખોટુ કામ ચલાવી લેવાશે નહીં જ. વિજય રૂપાણીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારની બદી સામે જંગ છેડવામાં આવશે. વિસ્તારોમાં ચાલતા વિકાસ સહિતના જનહિત કામોની વાસ્તવિક સ્થિતીનો તાગ મેળવવા અઠવાડીયામાં બે દિવસ સાઇટ વિઝીટ કરી પ્રજા વચ્ચે રહી ફિંડબેક મેળવવાથી યોગ્ય સુધાર જરૂર લાવી શકાશે. મુખ્યમંત્રીએ જિલ્લાના વડાઓને પ્રેરણા આપતા ઉમેર્યુ કે સાચી વ્યકિત, નાના માનવી કે ગરીબ, પીડિત શોષીત વંચિતને દુઃખી થવું ન પડે, પોતાના કામ માટે કોઇને એક પાઇ પણ આપવી ન પડે તેવો પારદર્શી-સંવેદનશીલ અભિગમ જિલ્લા સ્તરના પ્રત્યેક અધિકારી પાસે અપેક્ષિત છે.

મુખ્યમંત્રીએ જાહેર કર્યુ હતું કે આ પ્રકારની પરિષદ હવેથી દર ચાર મહિને યોજાશે અને વિવિધ યોજનાઓના વ્યાપક અમલીકરણ-લક્ષ્યાંક સિધ્ધિ પર ફોકશ કરાશે.

તેમણે ઉમેર્યુ કે, પહેલી મે થી રાજયવ્યાપી સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો આરંભ થઇ રહ્યો છે તેનું આગોતરૂ આયોજન કરીને આ અભિયાન દરમ્યાન તળાવ ઉંડા કરવા, ખેત તલાવડી, નદી કાંઠા સફાઇ સહિતના કામોમાં સેવા સંગઠનો અને જનસહયોગ મેળવાય તે દિશામાં કાર્યરત થઇએ.

(11:59 am IST)