Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દીવમાં ધાયલ કે બિમાર પશુ પક્ષીઓની સારવાર સેવા માટે એમ્બ્યુલન્સ અર્પણ

નાયડા રોડ પર ફુદમ ગૌશાળાના આંગણે ઉભી રહેશે : ડો. બાબુભાઇ સેવા આપશે : ઘાયલ કે બિમાર પશુ પક્ષી જોવા મળે તો મો.૯૮૨૪૨ ૧૭૮૨૦ પર જાણ કરજો

રાજકોટ તા. ૧૯ : દીવ તેમજ આસપાસના વિસ્તારોમાં અકસ્માતે ઘવાયેલા કે બિમાર પશુ પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે દીવની એનીમલ  કેર સોસાયટીમાં રાજકોટના કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના અને મ્યુનિસિપાલીટીના પ્રમુખ હિતેષ સોલંકીના સહયોગથી એક એમ્બ્યુલન્સ વસાવવામાં આવતા કલેકટર હેમંતકુમાર અને એસ.પી. વિપુલ અનેકાંતેના હસ્તે લીલીઝંડી આપી સેવારત કરાવવામાં આવી હતી.

નાયડા રોડ પર ફુદમ પાસેની ગૌશાળાના પટાંગણમાં ઉભી રહેનાર આ એમ્બ્યુલન્સ ઘવાયેલા કે બીમાર પશુઓને લઇ આવી આ કેન્દ્રમાં સારવાર અપાશે. ડો. બાબુભાઇ સારવાર કરશે.

અર્પણ સમારોહ પ્રસંગે સ્વાગત પ્રવચન એનિમલ કેર સોસાયટીના મંગેશભાઇ આર્યએ કર્યા બાદ એનીમલ હેલ્પલાઇન રાજકોટના પ્રતિક સંઘાણીએ સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.

કાર્યક્રમમાં મ્યુ. ઉપપ્રમુખ મનસુખ કરશન પટેલ, કાઉન્સીલરો રાકેશ સોલંકી, દિનેશ સાકર, કાપડીયા, રાજકોટના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ગાયત્રી પરિવારની બહેનો અને એનિમલ કેર સોસાયટીના મહેન્દ્રભાઇ, કમલેશભાઇ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

દીવ-ઉનામાં ઘવાયેલા અબોલ પશુ પક્ષીઓની સ્થળ ઉપર નિઃશુલ્ક સારવાર માટે દીવ એનીમલ કેર સોસાયટી, દીવ હેલ્પલાઇન નં. ૯૮૨૪૨ ૧૭૮૨૦ અથવા મો.૯૪૨૭૨ ૮૬૪૩૪ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:56 am IST)