Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પાલીતાણામાં વર્ષીતપના પારણા શેરડીના રસથી કરાવાય છેઃ જૈન ધર્મમાં તીર્થકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોવાથી ખુબ જ મહત્વ

પાલીતાણાઃ જૈન ધર્મમાં વર્ષીતપના પારણાનું ખુબ જ મહત્વ હોય છે ત્યારે આજે અખાત્રીજ હોવાથી પાલીતાણામાં વર્ષીતપના પારણા શેરડીના રસથી કરવામાં આવ્યા હતાં.

જૈન ધર્મની વાત કરીએ તો વર્ષીતપ એ એક મોટું તપ ગણાય છે. સંજોગોનો સામનો કરીને આ તપ પુરું કરવાનું અને બને એટલો ધર્મ-ધ્યાન પણ કરતા જ રહેવાનું. જેટલો આ તપનો મહિમા છે તેટલો જ મહિમા એના પારણાનો છે. જૈનોના અતિપ્રાચીન અને મહત્વપૂર્ણ આજે અખાત્રીજ, આજના દિવસનુ જૈન ધર્મમાં અનોખું જ મહત્વ છે આ દિવસે જે પણ જૈનોએ 'વર્ષીતપ" કર્યા હોય એમના ઈક્ષુરસ (શેરડીનો રસ) થી પારણા કરવામાં આવે છે. આખું વર્ષ બધી ૠતુઓ, અનુકુળ કે પ્રતિકુળ ગણાતા તીર્થધામ 'પાલીતાણા'માં વર્ષી તપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લહાવો માનવામાં આવે છે. બધા જ તપસ્વીઓની એક મહેચ્છા રહેતી જ હોય કે એમના વર્ષીતપના પારણા પાલીતાણામાં જ થાય.

આણંદજી કલ્યાણજી પેઢીના મેનેજર મનુભાઈ શાહનું કહેવું છે કે હજારો વર્ષ પૂર્વે જૈનોના પ્રથમ રાજા, પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થંકર એવા શ્રીઋષભદેવ ભગવાને સંસાર છોડી અને સંયમ ગ્રહણ કર્યો. તેમના સંયમ ગ્રહણના ૪૦૦ દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનાર ઋષભદેવને વૈશાખસુદ-૩ના દિવસે શ્રેયાંસકુમાર ઇક્ષુ રસથી પારણું કરાવે છે. આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોવાથી જૈન ધર્મમાં આ દિવસનું મહત્વ ખુબજ રહેલું છે. ધર્મ આદિ કરનાર અને કર્મનો અંત કરનારને પણ સહન કર્યા પછી જ સામગ્રી મળે છે. આજનો દિવસ શુભભાવો ને આદિ કરતો અને અશુભભાવોનો અંત કરતો હોય ત્યારે પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં હજારોની સંખ્યામાં આરાધકો આ દિવસે પારણું કરે છે.

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ટ્રસ્ટી શ્રીપાલભાઈ શાહનું કહેવું છે કે પવિત્ર તીર્થ પાલીતાણામાં વર્ષીતપના પારણામાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો. પંન્યાસપ્રવર મહારાજ સાહેબ, મુની ભગંવતો અને સાધ્વીજી ભગવંતો સહીત ભગવંતોની ઉપસ્થિતિ આ વર્ષે 1200થી વધુ વર્ષીતપના પારણાનો ભવ્ય પ્રવેશ ખુબજ આનંદ, ઉમંગ અને આસ્થાપૂર્વક થયો. પ્રથમ જય જ્ય શ્રી આદિનાથ જયઘોષ અને તપસ્વીઓ અમર રહો ના જય ઘોષ સાથે શેત્રુંજય ગિરિવરની યાત્રા કરી હતી. શેરડીના રસની પક્ષાલ કરી દાદા આદિનાથને પ્રણામ કર્યા બાદ ચેત્યવંદન અને આદિ વિધિ સાથે થતા પૂર્ણ કરી. તલેટી ખાતેના "પારણા ઘર'' માં વર્ષીતપ આરાધકોને તેમના સગા સબંધીઓ દ્વારા ઇક્ષુરસ( શેરડીના રસ)થી પારણા કરાવ્યા હતા. ત્યારે જેમાં ૩૦૦થી વધારે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોએ વર્ષીતપના પારણા કર્યા, મહાન કઠીન વર્ષી તપ કરનાર આરાધકોમાં આઠ વર્ષના બાળકથી લઇને સિતેર વર્ષ સુધીના આરાધકો જોવા મળ્યા હતા. આટઆટલું કઠીન તપ કરવા છતાં પણ તપસ્વીઓના શરીર કે ચહેરા પર તેની અસર સુદ્ધા પણ જોવા મળતી ના હતી, તે આ તપ નું ફળ છે. દરેકના ચહેરા પર બસ એક ભક્તિનો ભાવ જોવા મળ્યો હતો, એક રીતે ભક્તિસાગર હિલોળે ચડ્યો હોય તેવું સમગ્ર તળેટી વિસ્તારમાં વાતાવરણ જોવા મળ્યું હતું.

જો કે આ પારણામાં ૪૦ થી ૫૦ હજાર શ્રાવક અને શ્રાવીકા આ દિવસે દાદા આદીનાથને ભેટવા અને વર્ષીતપના પારણા કરાવવા આવી પહોચ્યા હોય ત્યારે પાલીતાણા પેઢી દ્વારા તપસ્વીઓ અને તેમને પારણા કરાવવા આવેલ શ્રધ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તે પ્રકારનું પેઢી દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા પણ પાલીતાણામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીના પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ આ દિવસોમાં તળેટી વિસ્તારમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રાળુઓના વાહન પાર્કિંગ માટેની પણ સારી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

(6:54 pm IST)