Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ૧૭ આરોપીઓ કોર્ટમાં હાજરઃ ધારાસભ્ય ઋષિભાઇ પટેલે કોઇપણ આરોપીને જાણતા ન હોવાનું નિવેદન આપ્યું

મહેસાણાઃ મહેસાણામાં વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલો હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિત 17 આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા. વિસનગર ધારાસભ્યનું સાક્ષી તરીકે કોર્ટમાં નિવેદન લેવાયું હતું. જેમાં ધારાસભ્ય ઋષિ ભાઈ પટેલે કોઈ પણ આરોપી ને જાણતા ન હોવાનું કોર્ટ સમક્ષ નિવેદન અાપ્યું છે. અન્ય સાક્ષીઓની પણ તપાસ આગામી મુદતમાં કરશે. આગામી 2જી મે ના રોજ ફરીથી હાજર રહેવા કોર્ટની મુદ્દત પડી છે. અાઈ.ઓ. સહિતના મુદાઓ પર કોર્ટ તપાસ કરશે.

ઉત્તર ગુજરાતના મહેસાણા અને વિજાપુરમાં પાટીદાર અનામત સમિતિ દ્વારા પાટીદાર સમાજને અનામત આપવાના મુદ્દે વિશાળ રેલી યોજ્યા બાદ વિસનગરમાં વિશાળ રેલી યોજીને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા જતા તોફાની ટોળાએ ધારાસભ્યની ઓફિસમાં હલ્લાબોલ કરીને તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા ઝૂંટવીને તોડફોડ કરતા ભારે હંગામો મચી ગયો હતો. પોલીસે ટોળાંને વિખેરવા હળવો લાઠીચાર્જ કરીને ટીયરગેસના ૧૩ રાઉન્ડ છોડતાં ભાગદોડ મચી ગઈ હતી. ટોળાએ ધારાસભ્યના કાર્યાલય બહાર પડેલી કારને સળગાવીને રોડ પર પાર્ક કરેલા વાહનોને તોડફોડ કરતા તોફાની ટોળાંને કાબૂમાં લેવા માટે ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લીધા બાદ ટોળાં સામે લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધીને તોફાની શખસોને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

વિસનગરમાં બે વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલનની રેલી બાદ ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં થયેલી તોડફોડના કેસમાં ધારાસભ્યને સાક્ષી બનાવવા તેમજ રાયોટિંગની કલમનો ઉમેરો કરવા મુકાયેલી સરકારી વકીલની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. એકબાજુ સરકાર પાટીદારો સામેના કેસો પરત ખેંચવાની વાતો કરે છે, બીજી બાજુ પાસના કન્વીનર હાર્દિક પટેલ અેસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિતને સંડોવતી આ ફરિયાદમાં ધારાસભ્યને સાક્ષી બનાવતાં આ કેસમાં નવો વળાંક આવ્યો હતો.

કોર્ટે 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. જેમાં હાર્દિક સહિત સાત જણા વિસનગર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે રૂ.૫૦૦૦ના જામીન મેળવીને વોરંટ રદ્દ કરાવ્યા હતા.

(6:45 pm IST)