Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મારા પિતાજીએ હિન્દુ સમાજની સેવા કરવા માટે પરિવાર અને ડોક્ટરી છોડી દીધીઃ તેમને હિન્દુઓ માટે અવાજ ઉઠાવવાની સજા મળી, તેમની આ દશા જોઇને હવે કોણ પોતાનો પરિવાર છોડશે ? ડો. તોગડિયાના પુત્ર આકાશે ફેસબુકમાં પોસ્ટ મુકીને વ્‍યથા વર્ણવી

અમદાવાદઃ ડો. પ્રવીણ તોગડિયાના પુત્ર આકાશ તોગડિયાએ પોતાના પિતાની હાલત જોઇને દેશની સેવા માટે હવે કોણ આગળ આવશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.

બુધવારે આકાશ તોગડિયાએ પોતાના ફેસબુક પેજ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'મારા પિતાજીએ હિન્દુ સમાજની સેવા કરવા માટે પોતાનો પરિવાર અને ડોક્ટરી છોડી હતી. તેમને હિન્દુઓ માટે અવાજ ઉઠાવવાની સજા મળી છે. આજે તેમની જે દશા છે તે જોઈને હવે કોણ પોતાનો પરિવાર છોડશે?'

મંગળવારે ડો.પ્રવીણ તોગડીયા આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસની મંજૂરી ન મળતા તેઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે જ ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ જોડાયા હતા.

સોમવારે ભાજપ નેતા સુરેન્દ્ર પટેલે છેલ્લી ક્ષણ સુધી તેમને સમજાવવા માટે આવ્યા હતા. તેમણે તોગડિયા સાથે બેઠક કરી હતી. બેઠક બાદ સુરેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘તોગડિયા અમારા સાથી છે. ભાજપ રામ મંદિરનો મુદ્દો ભૂલ્યો નથી.'

ઉપવાસની શરૂઆત તોગડિયાએ સરકાર અને ભાજપ અને મોદી પર પ્રહારો કરતાં કહ્યું કે સરકારે જે પણ વાયદા કર્યા તે તમામમાં યુ-ટર્ન લીધો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે મને પણ સત્તાની ઓફર હતી પરંતુ એ તમામ ઓફરોને મેં ઠુકરાવી છે. મંદિર બનાવવાની માગ વ્યક્તિગત છે, 4 વર્ષથી સંસદમાં કાયદો બનાવવા માગ કરી છે.'

પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે મંગળવારથી તોગડિયા અમદાવાદમાં સાબરમતી ગાંધીઆશ્રમ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસશે પછી સામે આવ્યું હતું કે તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આમરણ ઉપવાસ પર બેસશે. પરંતુ અંતે ઉપવાસનું સ્થળ બદલીને પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદની કચેરી સામે રાખવામાં આવ્યું છે.

(6:41 pm IST)