Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા ગોરૈયા ખાતે આશા સંમેલન યોજાયું

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને ઇનામ આપી સન્માનિત કરાયા : આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :  તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે  આશા સંમેલન યોજાયુ હતુ. આશા સંમેલનમાં નિષ્ણાંત તબીબો દ્વારા આશા બહેનોને જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારના ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આશા બહેનો અને આશા ફેસીલીટેટર બહેનોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના વરદહસ્તે ઇનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર, ડો. ગીતાંજલી બોહરા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડીકલ ઓફિસરો, આરબીએસકે મેડીકલ ઓફિસરો સહિત મોટી સંખ્યામાં આશા બહેનો, આશા ફેસીલીટેટર બહેનો ઉપસ્થીત રહ્યા હતા. અધીકારીઓ દ્વારા આશા બહેનોની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી અને આશા બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. 108 ટીમ દ્વારા મોબાઇલ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી અને 108 એમ્બ્યુલન્સની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત આશા બહેનોને સોશિયલ બિહેવિયર ચેન્જ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
 તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, આશા એ સમુદાયે પસંદ કરેલી એક એવી મહિલા છે જેને તેના ગામમાં રહીને જ સમુદાયને આરોગ્ય સંભાળ પ્રાપ્ત કરવા અને સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવવા અને તેમ કરીને સમુદાયના આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવાની કામગીરી કરવા માટે તાલીમ અને સહાય પુરી પાડવામાં આવે છે.ગ્રામ્ય વિસ્તારમાં ૧ હજારની વસ્તી દીઠ ૧ આશા હોય છે. આશા ફેસિલીટેટરને આશાના શિક્ષક, માર્ગદર્શક અને સલાહકાર તરીકેની અપેક્ષા સેવવામાં આવે છે. આશા ફેસિલીટેટર આશાને સહકાર આપે, દેખરેખ રાખે, તેની ક્ષમતાનો વિકાસ કરે અને તેમને સોપવામાં આવેલ વિસ્તારમાં આશા બહેનોની પ્રગતીનું નિયંત્રણ રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

(8:00 pm IST)