Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

તાલુકા હેલ્થ ઓફિસ સાણંદ દ્વારા નિધરાડ ખાતે "આશા સંમેલન” યોજાયુ

ધારાસભ્ય સહિત આરોગ્ય અધિકારીઓ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રા.આ.કેન્દ્રનાં કર્મચારીઓ તથા આશા બહેનો ને ટ્રોફી આપી ઓવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ સાણંદ તાલુકાની ૨૧૦ “આશા બહેનોનું સંમેલન” યોજવામાં આવ્યુ હતું. સંમેલન યોજવાનો મુખ્ય હેતુ સરકારની વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ છેવાડાનાં લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરનાર “આશા” બહેનોની કામગીરીને બિરદાવવાનું તથા ઘેર ઘેર જઇ લાભાર્થીને આરોગ્યની યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તેના માટે ઉત્સાહ વધારવાનો હતો. કાર્યક્રમમાં સાણંદ-બાવળા મતવિસ્તારનાં માન.ધારાસભ્ય કનુભાઇ પટેલ ઉપસ્થિત રહી “આશા બહેનો” નો ઉત્સાહ વધાર્યો હતો.

  કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમાર, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચીંતન દેસાઇ, લેપ્રસી મેડીકલ ઓફિસર ડૉ.ગીતાંજલીબેન બહોરા, જિલ્લા PMJAY કો- ઓર્ડીનેટર ડૉ.માસુમબેન ઠુમ્મર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.  તાલુકાનાં આરોગ્ય અધિકારી તરીકે ડૉ.બી.કે.વાઘેલાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યુ. તમામ મહાનુભાવોનું “આશા બહેનો” દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ તું

  ધારાસભ્યએ “આશા બહેનો” ની આરોગ્ય લક્ષી યોજનાઓ છેવાડાનાં માણસ સુધી પહોચાડવાની કામગીરી, રોગચાળા માં આરોગ્ય લક્ષી કામગીરી, કોરોના જેવી મહામારીમાં આરોગ્યની ઘેર ઘેર જઇ આપવામાં આવેલ સેવાઓ, માતા અને બાળ આરોગ્ય માટેની સેવાઓ, રસીકરણની સેવાઓ વગેર કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય તથા ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રા.આ.કેન્દ્ર નાં બે બે કર્મીઓ તથા “આશા બહેનો” એમ કુલ ૨૫ આરોગ્ય કર્મીઓને સન્માન ટ્રોફી આપી ઓવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ તરફ થી સુભેચ્છા સંદેશ મોમેન્ટો આપી તથા આરોગ્યનાં અધિકારીઓ દ્વારા માથે પાઘડી તથા તલવાર આપી ધારાસભ્યનુ અભિવાદન કરવામાં આવ્યુ હતું.

 કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બી.કે.વાઘેલા દ્વારા આગામી સમયમાં તાલુકાનાં દરેક ગામોમાં આયુષ્માન ભારતનો મેળવવા પાત્ર દરેક લાભાર્થીને PMJAY નું કાર્ડમાં એનરોલમેન્ટ થઇ જાય તે માટે ઝુંબેશથી કામગીરી પૂર્ણ કરવા તમામ “આશા બહેનો”  તથા તમામ આરોગ્ય કર્મચારીઓને જણાવ્યુ. કાર્યક્રમમાં ડૉ.કૌશીક એમ વીઠ્ઠલાપરા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા તમામ આરોગ્ય કર્મચારીઓ અને “આશા બહેનો” નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને રાષ્ટ્રગીત ગાઇને કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

   
(7:58 pm IST)